દિલ્હીના વિસ્ફોટ બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર, દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય
Delhi Red Fort Blast Updates: સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી i20 કારમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ દેશમાં હલચલ મચી ગઈ છે. આ ઘટનાને પ્રાથમિક રીતે આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સવારે આ ઘટનાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. તપાસ દરમિયાન પુલવામા અને ફરીદાબાદ વિસ્ફોટો વચ્ચેના સંભવિત સંબંધોની ચર્ચા થઈ રહી છે. આ વિસ્ફોટ પછી ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની આંતરરાજ્ય સીમાઓ પર પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને સુરક્ષા એજન્સીઓને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે.
રાજ્યમાં સતત પેટ્રોલિંગ અને નાકાબંધી
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ રાત્રિદિવસ પેટ્રોલિંગમાં લાગી ગઈ છે. ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશનો અને માર્કેટ વિસ્તારોમાં બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ ચાલી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવાઈ છે. દરેક વાહનના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. સરહદી જિલ્લાઓમાં પોલીસની તૈનાતી વધારવામાં આવી છે જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ રાજ્યમાં પ્રવેશ ન કરી શકે.

આંતરરાજ્ય બોર્ડર અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી
વલસાડ અને નાસિક બોર્ડર પર રાત્રિ દરમિયાન સઘન વાહન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને દમણ-દાદરા નગર હવેલી સાથે જોડાયેલી સીમાઓ પર પોલીસ અને સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરાયો છે. ખાસ કરીને ભીલાડ ચેકપોસ્ટ અને અન્ય સરહદી વિસ્તારોમાં સઘન તપાસ ચાલુ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર પણ કડક ચેકિંગ
વડોદરા જિલ્લાના ડભોઇ રોડ પર, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તરફ VVIP અવરજવર થાય છે, ત્યાં પણ રાત્રિભર ચેકિંગ ચાલુ છે. વડોદરા ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમો દરેક વાહનની તપાસ કરી રહી છે. ભારત પર્વને લઈને સુરક્ષા વધારવામાં આવી છે.
અંબાજી, સોમનાથ અને દ્વારકા ખાતે એલર્ટ
રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે અંબાજી, સોમનાથ અને દ્વારકા ખાતે પણ પોલીસ એલર્ટ પર છે. આ વિસ્તારોમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદના ભદ્રકાળી મંદિર નજીક પણ સુરક્ષા વધારવામાં આવી છે.

વિસ્ફોટમાં વપરાયેલી i20 કાર અંગે તપાસ
દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટમાં વપરાયેલી i20 કાર હરિયાણાની હોવાનું બહાર આવ્યું છે. આ કાર એક વર્ષમાં સાત વખત વેચાઈ હતી અને છેલ્લો માલિક પુલવામાનો હોવાનું માનવામાં આવે છે. પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. ઘટનાસ્થળેથી IED અવશેષો મળી આવ્યા છે, જે સૂચવે છે કે આ પૂર્વનિયોજિત આતંકવાદી કાવતરું હતું. અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 16 ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. હાલમાં NIA, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ફોરેન્સિક ટીમો તપાસમાં જોડાઈ છે.
સુરક્ષા એજન્સીઓ તત્પર
ફરીદાબાદમાં પણ RDX સહિતના વિસ્ફોટકો મળી આવ્યા હોવાથી ચિંતા વધી છે. ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધીની પોલીસ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી રહી છે. દેશભરમાં સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર આતંકવાદી મોડ્યુલની કડીઓ શોધવામાં વ્યસ્ત છે.

