સ્ટ્રીટ ડોગ હુમલાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, ડોગ લવરોમાં મિશ્ર પ્રતિસાદ
Supreme Court Order on Stray Dogs: દેશભરમાં વધી રહેલા સ્ટ્રીટ ડોગ હુમલા અને માર્ગ અકસ્માતોના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. આ ચુકાદા મુજબ, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેર રસ્તાઓ, રાજમાર્ગો અને રાષ્ટ્રીય હાઈવેથી આવારા શ્વાન અને પશુઓને હટાવવાની કાર્યવાહી કરવી પડશે. સાથે જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટીને પણ આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય જાહેર થતા રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે. પશુપ્રેમીઓ, ડોગ લવર એસોસિએશન અને સામાન્ય નાગરિકોમાંથી કેટલાકે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જ્યારે કેટલાકે તેને વિવાદાસ્પદ ગણાવ્યો છે.

“સમાજની સલામતી માટે યોગ્ય પગલું” – ડોગ લવર એસોસિએશન
ડોગ લવર એસોસિએશનના પ્રમુખ અરૂણ દવેએ જણાવ્યું કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ શેરી કૂતરાઓ લોકોના રક્ષણમાં મદદરૂપ બનતા, પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ડોગ બાઈટના કેસ અને અકસ્માતો વધી રહ્યા છે. આથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે સ્ટ્રીટ ડોગ પોતાના વિસ્તારના લોકોને ન કરડે, પરંતુ અજાણ્યા લોકો અથવા વાહન સાથે અથડાઈ જાય ત્યારે એગ્રેસિવ બની જાય છે. તેથી સરકાર દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીનું ડોગ લવરોએ પણ સમર્થન કરવું જોઈએ.
“પશુઓને પણ આરોગ્યની સુવિધા મળે” – એડવોકેટ ઇન્દુભા રાવલ
એડવોકેટ ઇન્દુભા રાવલએ જણાવ્યું કે, “અમે પશુપ્રેમી તરીકે સરકારને અપીલ કરીએ છીએ કે આ આવારા શ્વાનોને ખવડાવવા અને તેમની સારવાર માટે ખાસ આરોગ્ય સુવિધાઓ ઉભી કરવી જોઈએ. જો કોઈ શ્વાનને અકસ્માતમાં ઇજા થાય તો તેને તાત્કાલિક સારવાર મળે એ જરૂરી છે. જેથી, શ્વાન પ્રેમીઓને પણ દુઃખ ન થાય અને પ્રાણી કલ્યાણની ભાવના જળવાઈ રહે.”

“જંતુ-પક્ષીઓની ઘટતી સંખ્યા ચિંતાજનક” – રણજિત મુંધવા
રણજિત મુંધવાએ જણાવ્યું કે આજના સમયમાં ઘણા પશુ-પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે, અને લોકોનું ધ્યાન માત્ર ગાય અને કૂતરાઓ સુધી મર્યાદિત રહી ગયું છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય રસ્તાઓ પરથી રખડતા કૂતરાં અને પશુઓને દૂર કરવા માટે છે, જેથી માનવ અને પશુ બંનેની સલામતી જળવાઈ રહે. તેમ છતાં, આ નિર્ણયને કારણે અનેક શ્વાનપ્રેમીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ દેશના અનેક રાજ્યોમાં અમલમાં મૂકાઈ રહ્યો છે. સુરક્ષા, સ્વચ્છતા અને અકસ્માત નિયંત્રણ માટે આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પરંતુ તેની અમલવારી દરમિયાન પશુ હિતનું સંરક્ષણ પણ તેટલું જ જરૂરી બન્યું છે.

