સુરત ખાતે બિન અનામત આયોગની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં લાભાર્થીઓને કેવી રીતે લાભ આપવામાં આવે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ આ મીટીંગમાં હાર્દિક પટેલ કે અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા જેવા આંદોલનકારી યુવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરા, દિનેશ કાપડીયા, સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલ ઉપરાંત પાટીદાર સમાજ અને અન્ય સમાજોના સ્વેચ્છિક સંગઠનો અને સામાજિક અગ્રણીઓ સાથે મીંટીંગ મળી હતી. આ મીટીંગમાં દર મંગળવારે 11થી 2 વાગ્યા સુધી ચાલુ રહેતી બિન અનામત આયોગના કાર્યાલય અંગે સમય અને દિવસો વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
મીંટીગમાં ખાસ કરીને કેવી રીતે બિન અનામત વર્ગને અનામતનો લાભ આપવામાં આવે તેની જાણકારી આપવામાં આવી હતી. મીટીંગમાં પદ્મશ્રી મથુર સવાણી પણ હાજર રહ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ વાતચીત કરતા જણાવ્યું કે બિન અનામત આયોગની મીટીંગમાં પાટીદાર અનામત આંદોલન સમિતિને નિમંત્રણ આપવામાં આવ્યું હોત તો લોકોને જરૂરથી યુવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીઓને ચિતાર આપી શકાયો હોત. આંદોલનકારીઓને સાથે રાખીને સરકાર અને આયોગ વિશ્વાસનું વાતાવરણ ઉભૂં કરી શક્યા હોત પરંતુ એવું બની રહ્યું નથી. માત્ર સરકાર તરફી સંગઠનો અને અગ્રણીઓને બોલાવી ચર્ચા કરવામાં આવી રહી છે.