હાઇબ્રિડ ગાંજાની હેરફેરમાં 12ની ધરપકડ, જુનાગઢ પોલીસે પકડી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ગેંગ
Junagadh Police Drug Case: જુનાગઢ જિલ્લામાં તાજેતરમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ (Junagadh Police) અને SOGની સંયુક્ત કાર્યવાહીથી 1 કરોડથી વધુના હાઇબ્રિડ ગાંજાની હેરફેર રોકવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 12 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બેંગકોક અને બેંગલોર જોડાયેલ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ કેસની શરૂઆત ત્યારે થઈ, જ્યારે પોલીસે રૂ. 1.10 કરોડના 3.160 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ચાર સ્થાનિક આરોપીઓને – ધવલ ભરાડ, હુસેન તુર્ક, મુજાહીદખાન યુસુફજઈ અને જહાંગીરશા શાહમદાર – ઝડપી પાડ્યા હતા.
આંતરરાષ્ટ્રીય કડીઓ સુધી પહોંચેલી તપાસ
આરોપી મુજાહીદખાનની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે વડોદરાનો રહેવાસી ઇરફાન નામનો શખ્સ આ ગેરકાયદેસર વેપારનો મુખ્ય સૂત્રધાર છે. તેણે રાજકોટની શેરબાનુ નામની મહિલાને બેંગકોક મોકલી ત્યાંથી હાઇબ્રિડ ગાંજો લાવવા કહ્યું હતું. પરંતુ શેરબાનુએ ઇરફાનને દગો આપ્યો અને બેંગકોકથી લાવેલા ચાર પેકેટમાંના ત્રણ પેકેટ જુનાગઢમાં મુજાહીદખાનને આપી, એક પેકેટ પોતે રાખી લીધું. પછી તેણે આ પેકેટ વેરાવળના મિત્ર સોહિલ શેખ મારફતે વેચવાનો પ્રયાસ કર્યો. સોહિલે પોતાની બહેન ઉઝમા (રહે. સુરત) દ્વારા જ એ જ ઇરફાનનો સંપર્ક કર્યો — અને અજાણ ઇરફાન પોતાનો જ ચોરાયેલો માલ લેવા માટે સુરત પહોંચ્યો!
વડોદરા અને નવસારીમાંથી 8 આરોપીઓની ધરપકડ
ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પોલીસે પહેલા ઇરફાનના સાથીઓ અફઝલ જાનુવાલા, હાફીઝા જાનુવાલા, જાવીદ મીરઝા અને નીલોફર પટેલને વડોદરા અને નવસારીમાંથી પકડી પાડ્યા. ત્યારબાદ મુખ્ય સૂત્રધાર ઇરફાનખાન ઉર્ફે સોહિલ પઠાણને નડિયાદમાં તેના સસરાના ઘરે ગેઝેટેડ અધિકારીની હાજરીમાં ધરપકડ કરી. તેની પાસેથી રૂ. 32.76 લાખના 936 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરાયો.

બેંગકોક-બેંગલોર જોડાયેલ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે ઇરફાનની પૂછપરછમાં હબીબી (બેંગકોક) અને અનુપ ઉર્ફે રવુ (બેંગલોર) નામના બે વિદેશી સૂત્રધારના નામ બહાર આવ્યા છે, જે સમગ્ર રેકેટ ચલાવતા હતા. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ સુધીમાં રૂ. 1.49 કરોડના કુલ 4.096 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે થયો છે, અને 12 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે 12 અન્ય વોન્ટેડ છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી
પહેલા (2 નવેમ્બર) ઝડપાયેલા:
ધવલ કાળુભાઈ ભરાડ (વિસાવદર)
હુસેન નાસીરભાઈ તુર્ક (જુનાગઢ)
મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ (જુનાગઢ)
જહાંગીરશા રજાકશા શાહમદાર (જુનાગઢ)

હાલમાં ઝડપાયેલા:
મોઈન સતારભાઈ ખંધા (જુનાગઢ)
સાહિલ દાદાભાઈ શેખ (પ્રભાસ પાટણ)
શેરબાનુ મહમદરફીક નાગાણી (રાજકોટ)
ઇરફાનખાન ઉર્ફે સોહિલ પઠાણ (વડોદરા) – મુખ્ય સૂત્રધાર
જાવીદ અલીમહમદ મીરઝા (વેરાવળ/નવસારી)
અફઝલ અબ્દુલગફાર જાનુવાલા (વડોદરા)
હાફીઝા અફઝલ જાનુવાલા (વડોદરા)
નીલોફર અયુબભાઈ પટેલ (નવસારી)
વોન્ટેડ આરોપી:
હબીબી (રહે. બેંગકોક)
અનુપ ઉર્ફે રવુ (રહે. બેંગલોર)

