નાની ઉંમરે મોટી વિચારધારા: કૃષ્ણાનું 1,000 રૂપિયાનું દાન બન્યુ સૌ માટે પ્રેરણા
Krishna Wankaner Cancer Donation Story: વાંકાનેરની 14 વર્ષની નાની દીકરી ક્રિષ્ના આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પ્રેરણાનું જીવંત પ્રતિક બની ગઈ છે. નાની ઉંમરે પણ તેણે એવો માનવતાનો સંદેશ આપ્યો કે, કરોડો રૂપિયાનું દાન આપનાર ઉદ્યોગપતિઓની વચ્ચે તેની 1,000 રૂપિયાની ભેટ અનમોલ બની ગઈ. શ્રમિક પરિવારમાં જન્મેલી આ દીકરી પાસે ધનસંપત્તિ નહોતી, પરંતુ તેના દિલમાં માનવતા અને દયાનો ખજાનો હતો. જીવનના અંતિમ શ્વાસ સુધી તેણે અન્ય લોકો માટે કંઈક સારું કરવાનું સ્વપ્ન જોયું અને તેને હકીકતમાં ફેરવી પણ બતાવ્યું.
ક્રિષ્ના ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ વિદ્યાર્થિની હતી. તેનો ધ્યેય પરિવારને ગરીબીમાંથી બહાર કાઢી સફળ જીવન જીવવાનો હતો. પરંતુ નસીબે તેને ભયાનક હાડકાના કેન્સરનો સામનો કરાવ્યો. આ જીવલેણ રોગ સામે 1 વર્ષથી વધુ સમય લડીને અંતે તેણે દુનિયાને અલવિદા કહ્યું. છતાં અંતિમ ક્ષણોમાં પણ તે બીજા માટે જીવવાની ઈચ્છા રાખતી હતી. રાજકોટમાં કેન્સર દર્દીઓની સ્થિતિ જોઈ તેણે નક્કી કર્યું કે, “હું જીવી ન શકું, પણ અન્ય દર્દીને મદદ કરી શકું.”

જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે સારવાર શક્ય નથી, ત્યારે ક્રિષ્નાએ પોતાના મનમાં એક અનોખો વિચાર કર્યો. તેણે પોતાની નાનકડી બચત — માત્ર 1,000 રૂપિયા — Rajkot Cancer Care Foundation ને દાન આપવાનો નિર્ણય કર્યો. મૃત્યુ બાદ તેના પિતાને મળેલા હસ્તલિખિત પત્રમાં લખેલું હતું:
“પપ્પા, મેં થોડા રૂપિયા બચાવ્યા છે, એ તમે પેલેએટિવ કેર સેન્ટર માટે આપી દેજો.”
આ શબ્દોએ પરિવારજનો તેમજ ફાઉન્ડેશનના સભ્યોની આંખોમાં આંસુ લાવી દીધા.
આ ફાઉન્ડેશન હાલમાં એવાં દર્દીઓ માટે “પેલેએટિવ કેર સેન્ટર” બનાવી રહ્યું છે, જેમને હવે તબીબી સારવાર શક્ય નથી. ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકીએ કહ્યું કે, “ક્રિષ્નાના 1,000 રૂપિયા અમારે માટે 100 કરોડ જેટલા મૂલ્યવાન છે. આ દાન આપણને શીખવે છે કે દાનનું મૂલ્ય રકમમાં નહીં, પણ ભાવનામાં હોય છે.”

શ્રમિક પરિવારની દીકરીનું આ નાનું દાન આજના સમયમાં વિશાળ સંદેશ આપે છે — કે માનવતાનું માપ ધનથી નહીં, દિલથી થાય છે. જ્યાં લોકો પોતાના દુઃખમાં ડૂબેલા હોય છે, ત્યાં એક નાની બાળકી બીજાના દુઃખ માટે વિચારે છે, એ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ક્રિષ્નાના પગલે ચાલીને અનેક લોકો હવે નાનાં-મોટાં દાન માટે પ્રેરાઈ રહ્યા છે. ક્રિષ્ના હવે આ દુનિયામાં નથી, પણ તેની કરુણા, દયા અને દાનભાવના આજે હજારો હૃદયોમાં જીવંત છે. તેના 1,000 રૂપિયાના દાનમાં માનવતાનો દરિયો સમાયેલો છે. નાની ઉંમરે જ તેણે સાબિત કરી દીધું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં, પરંતુ દિલમાં રહેલી દયામાં વસે છે.

