વરસાદ બાદ મગફળીના પાકને નુકસાન, ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ચિંતા
Groundnut Price in Gujarat: આ વર્ષે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતો દ્વારા મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સારી ઉપજની આશા રાખતા ખેડૂતોને પાક તૈયાર થતાની સાથે જ વરસાદના કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું. હાલ મગફળીનો પાક સંપૂર્ણપણે તૈયાર છે અને ખેડૂતો વેચાણ માટે વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં જઈ રહ્યા છે, પરંતુ યોગ્ય ભાવ ન મળવાથી તેઓ ભારે નિરાશાનો સામનો કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. હાલ અહીં મગફળીના સરેરાશ ભાવ રૂ. 1,000ની આસપાસ છે, જ્યારે ખેડૂતોનું કહેવું છે કે ઓછામાં ઓછો રૂ. 1,500નો ભાવ મળવો જરૂરી છે જેથી ઉત્પાદન ખર્ચ અને મહેનતનું યોગ્ય વળતર મળી શકે.

સ્થાનિક ખેડૂત જેઠાભાઈ જણાવે છે કે, મગફળીના પાક માટે ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ સહિતનો ખર્ચ ખૂબ વધારે છે. “હાલના રૂ. 1,000ના ભાવમાં તો ખર્ચ પણ ઉઠતો નથી,” એમ તેઓ કહે છે. “અમે રૂ. 1,500 અથવા વધુ ભાવની અપેક્ષા રાખી હતી, પરંતુ હાલના ભાવથી ખેડૂતને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.”
બીજા ખેડૂત વેલજીભાઈએ જણાવ્યું કે આ વર્ષે અતિશય વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. “એક વીઘામાંથી માત્ર 12 મણ જેટલું જ ઉત્પાદન મળ્યું છે. એક વીઘા દીઠ લગભગ રૂ. 20,000નો ખર્ચ થયો હતો, પરંતુ હાલ વેચાણ પછી ફક્ત રૂ. 9,000 જેટલું જ વળતર મળ્યું છે,” એમ તેમણે ખેદ વ્યક્ત કર્યો. “મને મગફળીના રૂ. 1,080ના ભાવ મળ્યા, જ્યારે હકીકતમાં રૂ. 1,500થી વધુ ભાવ મળવો જોઈએ.”

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પંચાણીએ જણાવ્યું કે, “મહુવા યાર્ડ મગફળીની આવકમાં સૌરાષ્ટ્રમાં ત્રીજા ક્રમે છે. રાજકોટ અને ગોંડલ બાદ અહીં સૌથી વધુ મગફળી વેચાણ માટે આવે છે. લગભગ 100 કિ.મી. સુધીના વિસ્તારના ખેડૂત અહીં મગફળી વેચવા માટે આવે છે.”
હાલના આંકડા મુજબ, સારી ગુણવત્તાની મગફળીનો ભાવ રૂ. 900થી 1,100ની વચ્ચે છે, જ્યારે વરસાદના કારણે ખરાબ થયેલી મગફળીનો ભાવ રૂ. 500થી 800ની વચ્ચે છે. ખેડૂતો આશા રાખે છે કે આગામી દિવસોમાં ભાવમાં સુધારો થશે, નહીતર તેમના માટે આ સીઝન ભારે નુકસાનકારક સાબિત થશે.

