ગુજરાત પોલીસ એક્શનમાં – રાજસ્થાન બોર્ડરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સઘન ચેકીંગ
Delhi Blast Gujarat Security Alert: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સિક્યુરિટી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન બોર્ડર, સોમનાથ, અંબાજી, શામળાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જેવા મુખ્ય ધાર્મિક તેમજ પર્યટન સ્થળોએ સુરક્ષામાં વધારો કરાયો છે.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી અરવલ્લી જિલ્લાના શામળાજી-રતનપુર બોર્ડર અને બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારની માવસરી ચેકપોસ્ટ પર રાત્રિ-દિવસ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે. ખાનગી કારમાં મુસાફરી કરતા લોકોના ઓળખ દસ્તાવેજો અને સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ મુજબ, શંકાસ્પદ વાહન અથવા મુસાફર મળી આવે તો તરત જ તેની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

સોમનાથ અને ધાર્મિક સ્થળોએ વધારેલી સુરક્ષા
દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ સોમનાથ મંદિરે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક ભક્તના સામાનની મેટલ ડિટેક્ટરથી તપાસ થાય છે. મંદિર આસપાસ તેમજ પાર્કિંગ વિસ્તાર સુધી સઘન સુરક્ષા ચેકીંગ હાથ ધરાયું છે. સુરત, રાજકોટ અને અંબાજી જેવા મોટા ધાર્મિક સ્થળોએ પણ પોલીસના વધારેલા બંદોબસ્ત સાથે SRP અને સ્થાનિક પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ ટીમો કામ કરી રહી છે.
રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સઘન ચેકીંગ
રાજકોટમાં સતત બીજા દિવસે રેલવે સ્ટેશન તથા મુખ્ય વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ અને BDS ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. લાવારિસ સામાન અને પાર્કિંગમાં ઉભેલી ગાડીઓની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. વડોદરા રેલવે સ્ટેશન પર પણ સુરક્ષામાં વધારો કરીને મુસાફરોના સામાનની ચકાસણી થઈ રહી છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પોલીસની અલગ-અલગ ટીમો તૈનાત છે. તે જ રીતે, અમદાવાદ એરપોર્ટ પર CISF જવાનોની વધારેલી તૈનાતી સાથે દરેક મુસાફરના સામાન અને ઓળખની ચકાસણી થઈ રહી છે.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કડક સુરક્ષા
નર્મદા જિલ્લામાં પણ સુરક્ષા તંત્ર સંપૂર્ણ સતર્ક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા વિસ્તારમાં આવતા પ્રવાસીઓના વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ ભારત પર્વ ચાલી રહ્યો હોવાથી અન્ય રાજ્યોમાંથી આવતા મહેમાનોની પણ કડક ચકાસણી થઈ રહી છે. SOU વિસ્તારમાં નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જ્યાં નર્મદા પોલીસ, SRP અને CRPFના જવાનો સતત ડ્યૂટી પર છે.
સમગ્ર રાજ્યમાં સુરક્ષા એલર્ટ
રાજ્યના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના તમામ મહત્વપૂર્ણ શહેરો, રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોએ 24 કલાક ચેકીંગ ચાલુ રહેશે. દરેક જિલ્લામાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરાઈ રહી છે.

