ક્લાયમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર અપનાવી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય?
Climate Smart Agriculture: વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં પડેલા માવઠાથી કૃષિ ક્ષેત્રને ભારે અસર પહોંચી છે. ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ખેડૂતોને ક્યારે અતિવૃષ્ટિ તો ક્યારે અછત અને અનિયમિત વરસાદ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. નિષ્ણાતોના મતે, હવે સમય આવી ગયો છે કે ખેડૂતો Climate Smart Agriculture તરફ વળે અને બદલાતી જતી મોસમની ચાલને અનુરૂપ ખેતીની પદ્ધતિ અપનાવે.
જળવાયુ પરિવર્તનથી કૃષિ પર પડતી અસર
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાત ડો. ભરત મહેતા જણાવે છે કે હવામાનમાં આવેલા તીવ્ર ફેરફારોથી પાકની ગુણવત્તા અને જમીનની તંદુરસ્તી બંને પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. સતત ઓવર ફર્ટિલાઇઝેશન અને ઓવર ઇરિગેશનના કારણે જમીનની માળખાકીય શક્તિ ઘટી ગઈ છે. તેમણે જણાવ્યું કે, “રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખતરનાક રીતે ઘટીને 0.5 ટકા જેટલું રહી ગયું છે. જો હાલ સુધારાત્મક પગલા નહીં લેવાય તો ભવિષ્યમાં જમીન બિનઉપજાઉ બની જશે.”
જમીન કડક બનવાને કારણે પાણી ઉતરતું નથી
ડો. મહેતા કહે છે કે, “પહેલાં જમીનમાં હળ ચલાવવું સરળ હતું, પરંતુ હવે જમીન એટલી કડક બની ગઈ છે કે ટ્રેક્ટરથી પણ ખેતર ખેડવામાં મુશ્કેલી પડે છે. જમીનની સપાટી કઠોર બનવાથી વરસાદી પાણી અંદર ઉતરતું નથી, જેના કારણે ખેતરમાં લાંબો સમય પાણી ભરાઈ રહે છે અને પાકને નુકસાન પહોંચે છે.”

હવામાનમાં દેખાતા ચોંકાવનારા ફેરફારો
ડો. મહેતાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં શિયાળાની મુદત ઘટી રહી છે અને ઠંડીની જગ્યાએ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળામાં હિટવેવ (Heatwave)ની ઘટનાઓ વધી રહી છે, જ્યારે ચોમાસા દરમિયાન આખા સીઝનનો વરસાદ એક જ મહિનામાં વરસી જાય છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન માવઠા જેવી અસામાન્ય પરિસ્થિતિઓ સર્જાય છે, જે પરંપરાગત ખેતી માટે મોટો પડકાર બની રહી છે.
જમીનની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી જ ઉપાય
નિષ્ણાતો સૂચવે છે કે હવે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ (Natural Farming) તરફ વળવું જરુરી બની ગયું છે. રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવો પડશે. ખેડૂતોએ Climate Smart Agricultureનો અમલ કરવો જરૂરી છે — જેમાં મિશ્ર પાક, આંતરપાક અને સંકલિત કૃષિ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આથી હવામાનની અનિશ્ચિતતાથી થતી નુકસાની ઘટાડવી શક્ય બને છે.

ક્લાયમેટ સ્માર્ટ કૃષિથી નફાકારક ખેતી શક્ય
આ પદ્ધતિ અંતર્ગત એવા પાકોની વાવણી કરવી જોઈએ જે અતિ ગરમી કે અતિ ઠંડી બંને પરિસ્થિતિમાં ટકી શકે. આ માટે સંશોધન સંસ્થાઓ નવી જાતો વિકસાવી રહી છે. સાથે જ બાગાયતી પાકમાં આંતરપાક કરવાથી જમીનનો ઉપયોગ સંતુલિત થાય છે અને ખેડૂતને વધારાની આવક મળે છે. પાક ઉપરાંત પશુપાલન, મૂલ્યવર્ધન અને સ્થાનિક બજાર જોડાણ પણ આ દિશામાં ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે.
તાલીમ અને જાગૃતિની જરૂર
ડો. મહેતાના મતે, “જળવાયુ પરિવર્તન હવે કૃષિ માટે વાસ્તવિક પડકાર છે. ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા યોજાતી તાલીમમાં ભાગ લઈ નવી તકનીકો સમજવી જોઈએ, જેથી તેઓ ભવિષ્ય માટે તૈયાર રહી શકે.”

