લોકસભા અને રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત આપનારા બંધારણીય સંશોધન બીલને મંજુરી આપવામાં આવી છે ત્યારે આ બીલ પર હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાકી છે. આ દરમિયાનમાં સમાચાર મળી રહ્યા છે કે 10 ટકા સવર્ણ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. પીટીશનમાં બંધારણના ઉલ્લંઘનનો દાવો કરવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી ANI પ્રમાણે ગરીબ સવર્ણો માટેની 10 ટકા અનામત આપવા બંધારણ સુધારા ખરડા વિરુદ્વ દાવો દાખલ કરવામાં આવ્યો છે. અરજીમાં બંધારણના ઉલ્લંઘનનો દાવો કર્યો છે. બંધારણ વિરુદ્ધ આ અરજી (103 મો સુધારો)- 2019 વિરુદ્વ યુથ ફોર ઈક્વેલિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે.
યુથ ફોર ઈક્વેલિટી ગ્રુપના ડૉ. કૌશાંલ કાંત મિશ્રા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે આ સુધારો સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી અનામતની 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.
પીટીશનમાં જણાવાયું છે કે બંધારણમાં સમાવિષ્ટ કરાયેલી ચાર મૂળભૂત જરૂરિયાતોનું બંધારણીય સુધારો ઉલ્લંધન કરે છે.1973 માં સુપ્રીમ કોર્ટના 13 જજની બંધારણીના ખંડપીઠે “મૂળભૂત માળખા”નાં સિદ્ધાંતને સમર્થન આપ્યું હતું, જેમાં સંસદ સંવિધાનમાં સુધારો કરી શકે છે પરંતુ તેના મૂળ અથવા આવશ્યક સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરી શકતી નથી.
સંસદે પસાર કરેલા સુધારામાં જનરલ કેટેગરીના તમામ ગરીબોને સામેલ કર્યા છે માત્ર ગરીબોને સામેલ કર્યા નથી અને તમામ જાતિઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારનો વિરોધાભાસ ઉત્પન્ન થયો છે. જેથી કરીને 10 ટકા અનામતને રદ્દ કરવામાં આવે.
સંસદના બન્ને ગૃહોમાંથી પાસ થયેલું બંધારણીય સુધારો કોઈ પણ રીતે બંધારણીય માળખાને પ્રભાવિત કરતું નથી અને ન તો આ સુધારાને કોઈ પણ વિધાનસભાની મંજુરીની આવશ્યકતા રહેલી છે. હવે માત્ર રાષ્ટ્રપતિની સહી થાય તો તે કાયદાનું રૂપ ધારણ કરી લેશે.