કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા વિપક્ષની એકતા માટે આયોજીત સભામાં પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલના સંભાષણને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. હાર્દિક પટેલે સભાને સંબોધતા કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ગોરાઓને ભગાડવા લડત ચલાવી હતી જ્યારે અમે ચોરોને ભગાડવા લડત ચલાવી રહ્યા છે.
તૃણમુલ કોંગ્રેસ દ્વારા કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર આયોજીત સભામાં હકડેઠઠ મેદની વચ્ચે જ્યારે હાર્દિકને સ્પીચ આપવા આહવાન કરાયું ત્યારે જનમેદનીએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાતમાં બિન અનામત વર્ગો અને પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈ આંદોલન કર્યું છે.
હાર્દિકે સભાને સંબોધતા કહ્યું કે સભામાં હાજર લોકો નવી ક્રાંતિ સાથે દેશને બચાવવા મેદાને પડ્યા છે. સુભાષ બાબુનો નારો હતો કે તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા. આજે મને લાગે છે કે સુભાષ બાબુ ગોરાઓ સામે લડ્યા પણ આપણે ચોરો સામે લડવાનું છે. સાથે મળીને લડીશું તો જ દેશને બચાવી શકાશે. ખરા અર્થમાં આઝાદી ત્યારે જ મળશે કે જ્યારે એક વિચાર બીજા વિચાર સાથે મળશે. એક વિચાર, એક રાષ્ટ્રની ધારા સાથે જોડાઈ, ભેદભાવથી મૂક્ત થઈ આગળ વધવાની જરૂર છે.