પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ કરવાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. સુરત પોલીસ સાથે થયેલા વિવાદમાં પોલીસ અધિકારીઓ વિરુદ્વ અભદ્ર ભાષા બોલવાના કારણોસર સુરતની સેશન્સ કોર્ટે કથીરીયાના રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ કરી દીધા હતા.
કથીરીયાના વકીલ યશવંતવાળાએ જામીન રદ્દ કરવાના સુરત કોર્ટના ફેસલાને ગુજરાત હાઈકોર્ટમા પડકાર્યો છે. વકીલ વાળાએ કહ્યું કે સુરત પોલીસે એક તરફી પુરાવા રજૂ કર્યા છે. અભદ્ર ભાષા અંગે મોબાઈલમાં રેકોર્ડ કરેલા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે અભદ્ર ભાષાના ઉપયોગ અંગે સુરત પોલીસે અપુરતા તથ્યો રજૂ કર્યા છે.
વકીલ યશવંત વાળાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ પોલીસનું છે. અને કથીરીયાને રાજદ્રોહ કેસમાં જે શરતોએ જામીન આપવામાં આવ્યા છે તેમાંની કોઈ પણ શરતનો કથીરીયાએ ભંગ કે ઉલ્લંધન કરેલું નથી. રાજદ્રોહસ કેસમાં આપવામાં આવેલા જામીન રદ્દ કરવાનો ફેસલો એક તરફી હોવાનું માલૂમ પડી રહ્યું છે.
આ ઉપરાંત અલ્પેશ કથીરિયાના જામીનને લઈને હાઇકોર્ટમા અરજી દાખલ કરવામાં આવેલી વકીલ અરજીને અરજન્ટ હિયરીંગ માટે હાઇકોર્ટને વિનંતી કરતા કોર્ટે અરજન્ટ હિયરીંગની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં જે કોઈ પણ અરજી દાખલ કરવામાં આવે છે તેમાં અરજન્ટ હોવાનું જ કહેવામાં આવે છે. પરંતુ આ કેસમાં અરજન્ટ હિયરીંગની કોઈ જરૂરિયાત જણાતી નથી.
વકીલ યશવંત વાળાએ આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન રદ્દ કરવાના ફેસલાને પડકાર્યો છે અને આ અરજી પર હવે પછી સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.