પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે સામવારે રાત્રે 45 મીનીટ સુધી વાતચીત થઈ હતી. આ મુલાકાતને બન્ને નેતાઓએ સૌજન્ય મુલાકાત ગણાવી હતી. સિંધિયા સોમવારે રાત્રે દિલ્હીથી મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને સીધા શિવરાજસિંહ ચૌહાણના નિવાસે આવ્યા હતા. બાદમાં બન્ને નેતાઓએ પત્રકારોને કહ્યું કે અમારા બન્ને વચ્ચે કોઈ મતભેદ નથી, કોઈ કડવાશ નથી. સિંધિયાએ કહ્યું કે હું એવી વ્યક્તિ નથી કે ચૂંટણીની કડવાશને સમગ્ર જીવન સાથે લઈને ચાલું. કહેવાય છે ને કે રાત ગઈ, બાત ગઈ. જેથી કરીને આગળનું વિચારવાનું છે.
સિંધિયાએ વધુમાં કહ્યું કે મઘ્યપ્રદેશના ભવિષ્યને શણગારવાનું છે, ઉજ્જવલ કરવાનું છે. આના માટે અમારા બન્નેનું સાથે હોવું જરુરી છે. ખાસ કરીને કોંગ્રેસની જવાબદારી બને છે કે સત્તામાં આવ્યા બાદ વિપક્ષી દળો સાથે સલુકાઈથી વર્તે. ચૂંટણીમાં રસાકસી હોય છે પણ ચૂંટણી પત્યા બાદ બધાએ સાથે મળીને કામ કરવાનું હોય છે. સિંધિયાએ શિવરાજસિંહ ચૌહાણ સાથેની મુલાકાતને સારી ગણાવી કહ્યું કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હું તેમને મળવા આવ્યો હતો. ઘણી વાતો થઈ છે.
સિંધિયાને પ્રશ્ન કરાયો કે શું વિપક્ષનો સાથ મળશે તો તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે વિપક્ષે હરહંમેશ સારા કાર્યોંમાં સાથ-સહરકાર આપવો જોઈએ અને સરકારની ઉણપોને ઉજાગર કરતા રહેવું જોઈએ જેથી કરીને સુચારું રીત સરકાર ચાલી શકે. લોકતંત્રમાં જેટલી ભૂમિકા વિપક્ષની હોય છે તેટલી જ સત્તા પક્ષની પણ હોય છે. કેન્દ્રમાં કોંગ્રેસનું મહત્વપૂર્ણ યોગદાન છે. આશા છે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપનું વલણ સકારાત્મક રહેશે.
જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. આ પહેલાં શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી કમલનાથની શપથવિધિમાં હાજરી આપી હતી આ ઉપરાંત પૂર્વ સીએમ ચૌહાણે કમલનાથ અને સિંધિયાનું પૂરજોશ સ્વાગત કર્યું હતું જેની પણ ખાસ્સી ચર્ચા થઈ હતી. હવે આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.