સુરતના ભટાર વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતા ભારે બખેડો થયો હતો. ગેરકાયદે મકાન બાંધનાર પરિવારે ભાજપના કોર્પોરેટર મુકેશ પટેલ પર આક્ષેપ કર્યા છે અને આખાય વિવાદના પરિણામે મહિલા બેભાન થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિગતો મુજબ ભટારની આદિજાતિ ભારતી સોસાયટીમાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ગેરકાયદે મકાન તોડવા ગયા હતા. પાલિકાના અધિકારીઓ અને મકાન ધરાવનાર પરિવાર વચ્ચે ચકમક ઝરી હતી અને આ બખેડામાં મકાન માલિકની પત્ની જશુબેન રાજુભાઈ રાઠોડ સ્થળ પર બેભાન થઈ જવા પામ્યા હતા. જશુબેન બેભાન થતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મકાન માલિક રાજુભાઈ રાઠોડે ભટાર વોર્ડના ભાજપના કોર્પોરેટર મુકેશ પટેલ પર મકાન તોડવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે વધુ આક્ષેપ કરી કહ્યું કે મુકેશ પટેલ દ્વારા મકાન નહીં તોડવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. રૂપિયાની માંગણી નહીં સંતોષાતા મકાન તોડી પાડવાની કામગીર કરવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું,
જ્યારે આ અંગે મુકેશ પટેલને પૂછવામાં આવતા તેમણે રૂપિયા કે દબાણના આક્ષેપોને ફગાવી દીધા હતા. આરોપો ખોટા હોવાનું તેમણે જણાવ્યું હતું.