સુરતના સચીન જેવા ધમધમતા વિસ્તારમાં ચાર મંદિરોમાં થયેલી શ્રેણીબદ્વ ચોરીથી ખળભળાટ વ્યાપી ગયો છે. સચીનના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલા મંદિરોમાં એક સામટી ચોરીની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. ચોરની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સચીન હાઉસીંગ બોર્ડમાં માત્ર 300 મીટરની અંદર આવેલા ચાર મંદિરોમાં ચોરી થઈ છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા તસ્કરોએ સિલસિલાવાર રીતે મંદિરોની દાન પેટીને નિશાના પર લીધી હતી. જગન્ન્નાથ,ખોડીયાર મંદિર,જલારામ મંદિર સહિત ભોળાનાથ મંદિરોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરો દાન પેટી ઉંચકી ગયા હતા પરંતુ દાન પેટીઓમાંથી કશું નહીં મળતા તસ્કરોએ દાન પેટીઓને અવાવરૂ જગ્યાએ મૂકીને નાસી છૂટ્યા હતા.
પોલીસને હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં બે ચોરો મંદિરમાં ઘૂસતા દેખાય છે. બન્નેના મોઢા રૂમાલથી ઢાંકેલા હોવાનું જણાઈ આવી રહ્યું છે. ચારેય મંદિરોમાં ચોરી કરવાની મોજસ ઓપરેન્ડી એક જેવી લાગી રહી છે અને પોલીસને શંકા છે ચોરી કરવામાં બે કરતાં વધારે ચોરો હોવાની શંકા છે. મંદિરની અંદર પ્રવેશીને લોખંડની દાનપેટીને તોડી નાંખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે. પોલીસ સૂત્રો મુજબ મોટાભાગની દાનપેટીઓ ખાલી હોવાથી મોટી ચોરી થઈ શકી ન હતી પરંતુ જે મંદિરોની દાન પેટીમાં ચોરી થઈ છે તેમાંથી 30થી 35 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. મંદિરો રેલવે લાઈનની નજીક હોવાથી પોલીસે રેલવે લાઈનની આજુબાજુના વિસ્તારોમાં ડોગસ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે.