EVM હેકીંગને લઈ ઉભા થયેલા ભારે વિવાદમાં ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે. લંડનના હેકર દ્વારા સનસનાટીપૂર્ણ 2014ની ચૂંટણીમાં EVMને હેક કરવા રાજકીય પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા ચૂંટણી પંચે દિલ્હી પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ચૂંટણીએ પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને આ મામલે FIR નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરવાની માંગણી કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં સૈયદ શુજા દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવામાં આવે. શુજાએ દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM હેક કરવામાં આવી શકે છે.
ચૂંટણી પંચે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, કેટલાક મીડિયા અહેવાલ મારફતે એ વાત ધ્યાનમાં આવી છે કે, સૈયદ શુજાએ દાવો કર્યો છે કે, તે EVM ડિઝાઈન ટીમનો સભ્ય હતો અને તે ભારતમાં ઉપયોગમાં લેવાતા EVMને હેક કરી શકે છે. ચૂંટણી પંચેએ દિલ્હી પોલીસને આ દિશામાં તપાસ હાથ ધરવા કહ્યું છે.
સાયબર એક્સપર્ટના દાવા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ જામ્યું છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ ચૂંટણીમાં ગરબડ થઇ છે, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી યોગ્ય છે. રવિશંકરે કહ્યું કે, હેકરે માત્ર આરોપ લગાવ્યા પરંતુ કોઇ પુરાવા આપ્યા નથી, ના તો કોઇ સવાલના જવાબ આપ્યા છે.
રવિશંકર પ્રસાદે તે દરમિયાન કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ ઉપર પણ નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું કે, કપિલ સિબ્બલ આખરે ત્યાં શું કરી રહ્યા હતા, શું તે કોંગ્રેસ તરફથી મૉનિટિરિંગ કરવા પહોંચ્યા હતા. કપિલ સિબ્બલ પહેલા પણ રામ જન્મભૂમિ, સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ મહાભિયોગ જેવા મામલાની આગેવાની કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે, આ આયોજનથી 2014ના જનમતનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તો યૂપીએ સરકાર સત્તામાં હતી, તો અમે કેવી રીતે EVM હેક કરાવી શકતા હતા. તેમણે સવાલ કર્યો કે, શું આ કોંગ્રેસનું કેમ્બ્રિજ એનાલિટિકા પાર્ટ-2 છે. તેમણે કહ્યું કે, EVM તો 20 વર્ષથી કામ કરી રહ્યું છે. યૂપીમાં માયાવતી જીતી, અખિલેશ જીતી અને હવે કોંગ્રેસ જીતી તો EVM બરાબર થઈ જાય છે.
અત્રે નોંધનીય છે કે, એમ અમેરિકી સાઈબર એક્સપર્ટે દાવો કર્યો હતો કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે. તેણે દાવો કર્યો હતો કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા EVM હેક કરવામાં આવ્યા હતાં. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, આ વાતની જાણ ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેને થઈ ગઈ હતી. અને એટલે જ તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ગરબડ થઈ હોવાનો દાવો કર્યો છે.