લીંબડીયા જમીન કૌભાંડમાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામે એક મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. અહીં અંદાજે 142 એકર સરકારી પડતર જમીન પર કેટલાક ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ વ્યક્તિઓએ આ જમીન પર આર.સી.સી. દુકાનો બનાવી અને પછી તે દુકાનોના દસ્તાવેજો બનાવી અન્ય લોકોને વેચી નાખી, જેથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર વ્યવહાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં આ મામલો સામે આવતા જ વહીવટી તંત્ર ચુસ્ત બન્યું છે. તંત્ર દ્વારા સર્વે અને માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કબ્જામાં આવેલી સરકારી જમીન પાછી મેળવી શકાય. આ કાર્યવાહી શરૂ થતા જ આખા જિલ્લામાં ચર્ચાનો માહોલ બની ગયો છે અને લોકો આ મામલાને લઈને નવાઈ પામી રહ્યા છે.

આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લીંબડીયા ગામના સરપંચને આ બાબતની જાણકારી મળી. સરપંચે તરત જ સી.એમ.ઓ.ને લેખિતમાં રજુઆત કરી અને સરકારી જમીન મુક્ત કરાવવા કાર્યવાહી કરવા માંગણી કરી. જેના પગલે મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે મોટો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને સરકારી જમીનને ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી.
જમીનનું ક્ષેત્રફળ વિશાળ હોવાને કારણે સર્વેની કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે. તંત્રના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી સાવચેતી રાખવામાં આવશે.

સ્થળની સ્થિતિ એવી છે કે, હાલ લીંબડીયા ચોકડી વિસ્તારની મોટાભાગની જમીન પર પાકી દુકાનો ઊભી છે. જો તંત્ર બુલડોઝર ચલાવે તો આ વિસ્તારનો નકશો જ બદલાઈ જશે. હાલ સ્થાનિક લોકો “દાદાનું બુલડોઝર” ક્યારે ફરશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

