જૈમીનીબેન પટેલના પ્રયાસોથી ગામ બન્યું પ્રેરણાસ્ત્રોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની શ્રી કળમ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત જૈમીનીબેન પટેલે છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનોખી ઓળખ બનાવી છે. તેઓ માત્ર એક શિક્ષિકા નહીં પરંતુ “પર્યાવરણ પ્રેમી શિક્ષિકા” તરીકે સમગ્ર જિલ્લામાં જાણીતી છે. તેમના માટે શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું નથી, પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું જીવંત ઉદાહરણ છે.
જૈમીનીબેનનું મુખ્ય ધ્યેય શાળા અને ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું છે. આ માટે તેમણે વિદ્યાર્થીઓ અને ગામલોકોને જોડીને એક અનોખું અભિયાન શરૂ કર્યું. પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવ અંગે જાગૃતિ લાવવા તેઓએ રેલીઓ, ચર્ચાઓ અને પ્રચાર કાર્યક્રમોનું આયોજન કર્યું, જેમાં નાના બાળકોને પણ સક્રિય રીતે જોડવામાં આવ્યા. આથી બાળકપણથી જ પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસે તેવો સુંદર પ્રયાસ થયો.

તેઓએ માત્ર જાગૃતિ જ નહી, પરંતુ વ્યવહારિક ઉકેલ પણ રજૂ કર્યો. જૈમીનીબેન પોતાના હાથે કાપડની થેલીઓ સીવીને ગામમાં મફતમાં વહેંચે છે. જેના કારણે લોકો ધીમે ધીમે પ્લાસ્ટિકનો ત્યાગ કરીને કાપડની થેલીઓ અપનાવવા લાગ્યા છે. પરિણામે ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને સ્વચ્છતાનો સંદેશ દરેક ઘરમાં પહોંચ્યો છે. આ ઉપરાંત, તેમણે ફેંકાયેલા પ્લાસ્ટિકમાંથી કળાત્મક અને ઉપયોગી વસ્તુઓ બનાવવાનો માર્ગ બતાવ્યો. કચરામાંથી બનાવેલા રંગીન કુંડામાં છોડ વાવીને શાળા અને ગામને હરિયાળું બનાવ્યું. બાળકો માટે આ “Reduce, Reuse, Recycle”નો જીવંત પાઠ બની ગયો અને તેમને વેસ્ટમાંથી ‘વેલ્થ’ બનાવવાની પ્રેરણા મળી.
શૈક્ષણિક ક્ષેત્રે પણ જૈમીનીબેનનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ દરરોજ વહેલા શાળાએ પહોંચી સ્વયં સફાઈ કરીને શિસ્ત અને નિયમિતતાનું ઉદાહરણ આપે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ જીવનકૌશલ્ય આધારિત શિક્ષણ આપે છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓને સિવણ, ભરતકામ અને સાબુ-શેમ્પૂ બનાવવાની તાલીમ આપે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

જૈમીનીબેન માને છે કે શિક્ષણ એ એવું સાધન છે, જે જીવન જીવવાની સમજ અને કૌશલ્ય બંને આપે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક છોકરીઓ આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. તેમની કામગીરી માત્ર શાળાની દીવાલોમાં સીમિત નથી, પરંતુ આખા સમાજમાં પરિવર્તન લાવી રહી છે. તેઓ સાબિત કરે છે કે મોટા સંસાધનોની જરૂર નથી, ઈમાનદારી અને ઇચ્છાશક્તિ પૂરતી છે. પ્લાસ્ટિક મુક્ત ગામ, હરિયાળું પર્યાવરણ અને છોકરીઓનું સશક્તિકરણ — દરેક ક્ષેત્રે તેઓ પ્રેરણારૂપ છે.
જૈમીનીબેનનું જીવન સંદેશ આપે છે કે એક સાચો શિક્ષક માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ આખા સમાજને ઉજ્જવળ બનાવી શકે છે. તેઓ શિક્ષક નહીં, પણ પર્યાવરણના રક્ષક અને માનવતાના માર્ગદર્શક છે.

