NIA દ્વારા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ મહારાષ્ટ્ર ATSને આતંકી નેટવર્ક ભેદવામાં મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર ATS એ થાણે અને ઔરંગાબાદમાંથી ISISના શંકાસ્પદ નવ શખ્સોની ધરપકડ કરી છે.
પ્રજાસત્તાક પર્વ પૂર્વે મહારાષ્ટ્રમાંથી ISISના શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવતા પોલીસ વધુ કેટલાક લોકો સુધી પહોંચવાની તૈયારીમાં છે. ATSને ચોક્કસ ઈનપૂટ મળ્યા હતા કે થાણે અને ઔરંગાબાદના કેટલાક લોકો ISIS સાથે સંકળાયેલા છે. પોલીસે તમામ પર ચાંપતી નજર રાખી હતી. તમામની ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેલી હતી. પોલીસે નવે નવ શખ્સોને પકડીને આગળની કાર્યવાહી કરી છે. હજી વધુ ખુલાસા થશે એવી માહિતી જાણવા મળી રહી છે.
થાણેના મુંબ્રાના અમૃતનગર, કૌસા, મોતીબાગ અને અલમાસ કોલોની વિસ્તાર તથા ઔરંગાબાદના કૈસર કોલોની, રાહત કોલોની અને દમડી મહેલ વિસ્તારમાંથી સોમવારે રાત્રે અને મંગળવારે સવારે છાપો મારવામાં આવ્યો હતો. પોલીસ એસિડ ઉપરાંત સીમ કાર્ડ, મોબાઈલ ફોન, હાર્ડ ડીસ્ક અને અન્ય કેટલીક વસ્તુઓ કબ્જે કરી છે. આરોપીઓ વિરુદ્વ આઈપીસીની કલમ 120-બી અને મુંબઈ પોલીસ એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે.
ATSએ એસિડ બોટલ અને કેમિકલ રિકવર કર્યા છે. આ ઉપરાંત આ શખ્સો શું કરવા માંગતા હતા, તેમનો ઈરાદો શું હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.