સુરતના પોશ એરિયા વેસુમાં સિલ્વર ચોક નજીક રાહુલ રાજ મોલની સામે આવેલા ક્રિસ્ટલ પ્લાઝાના મેઝેનાઈન ફ્લોર પર પડેલો ખાડો હવે જોખમી બની ગયો છે. આ મોતના ખાડાથી સાવધાન થઈ જવાની જરૂર છે. મેઝેનાઈન ફ્લોરમાં બિલ્ડર કે મોલ સંચાલકો દ્વારા ખાડાને પુરવામાં દાખવવામાં આવી રહેલી બેદરકારીના કારણે આવનાર લોકો ખાડામાં પડી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
આવા જ એક બનાવનો સીસી ટીવી ફૂટેજ સામે આવ્યો છે. ક્રિસ્ટલ પ્લાઝામાં કશુંક શોધી રહેલો યુવાન બે-ચાર ડગલા ઉંધો ચાલે છે અને સીધો ખાડામાં પડી જાય છે અને મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કીંગમાં પછડાય છે. ક્રિસ્ટલ પ્લાઝાની મેઝેનાઈન ફ્લોરની ગેલેરીમાં પડેલા આ ગેપને દુર કરવામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ધ્યાને પડી રહ્યું નથી.
વિગતો મુજબ જ્યાં ગેપ પડી ગયું છે ત્યાં અગાઉ બાંકડો મૂકવામાં આવ્યો હતો. બાંકડો દુર કરી જાળી મૂકવાની કામગીરી કરવાની હતી પરંતુ મોલના બિલ્ડર કે સંચાલકો દ્વારા અક્ષ્મ્ય બેદરકારીના કારણે આજે મોલમાં આવનારા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. સદ્દનસીબે ગેપમાંથી નીચે પટકાયેલા યુવાનનો જાન બચી ગયો છે. યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. શોપીંગ મોલમાં ભારે ધમાચકડી મચી જવા પામી હતી અને લોકો સંચાલકો અને બિલ્ડર પર રોષે ભરાયા હતા.