2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મોટો નિર્ણય કર્યો છે પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાઢરાને કોંગ્રેસના જનરલ સેક્રેટરી એટલે કે મહાસચિવ બનાવ્યા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા પહેલી ફેબ્રુઆરીએ પોતાના કાર્યભાર સંભાળશે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલને સંગઠનના મહાસચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયના પગલે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં સીધી એન્ટ્રી થઈ ગઈ છે. લાંબા સયમથી પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશની ચર્ચા ચાલી રહી હતી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકારણમાં સક્રીય કરવાની માંગ કરવામાં આવી રહી હતી. પ્રિયંકાને લોકસભાની સૌથી વધુ સીટો ધરાવતા યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. યુપીમા લોકસભાની 80 સીટ છે. પ્રિયંકા ગાંધીમાં લોકોને ઈન્દીરા ગાંધીની છબિ દેખાય છે અને પ્રિયંકાને કરિશ્માકારી નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.
આની સાથે કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કેસી વેણુગોપાલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકાને પૂર્વ યુપીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી યુપીનો કાર્યભાર સોંપાયો છે. યુપીની જવાબદારી હાલ ગુલામ નબી આઝાદ પાસે હતી. ગુલામ નબી આઝાદને હરીયાણાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખના નિર્ણયથી પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીમાં થઈ ગઈ છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાયબરેલીના બે દિવસીય પ્રવાસ પર છે. મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા શક્તિશાળી નેતા છે. યુપીમાં યુવા નેતાઓ રાજનીતિમાં પરિવર્તન કરશે. માયાવતી અને અખિલેશ સાથે અમારી કોઈ દુશ્મીની નથી. વાસ્તવમાં હું તેમનો આદર કરું છું. દરેક રીતે તેમની સાથે સહયોગ કરવા તૈયાર છીએ. ત્રણેયનો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે. પરંતુ અમારી લડાઈ કોંગ્રસની વિચારધારાને બચાવવા માટેની પણ રહેલી છે.
પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવ્યા બાદ રાહુલએ કહ્યું કે મને વ્યક્તિગત રીતે આનંદ છે કે તેઓ અમારી સાથે કામ કરશે. તેઓ બહુ જ કર્મઠ છે. સિંધિયા પણ ડાયનામિક લીડર છે. ભાજપ હાલ ગભરાઈ ગયો છે. અમે બેકફૂટ પર રમવાના નથી. રાજીવ શુક્લાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની રાજનીતિમા એન્ટ્રીથી કોંગ્રેસ યુપીમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ફાયદો થવાનો છે.