દુબઇમાં છેલ્લા 12વર્ષથી મોબાઈલની દુકાનમાં સેલ્સ મેન તરીકે ફરજ બજાવતા આરીફ ધરમપુરીયાના વલસાડના ખાડકીવાડમાં આવેલા મકાનમાં આજે દિલ્હીથી એન.આઈ.ની ટીમ તથા મહારાષ્ટ્ર એટીએસની ટીમ વલસાડ આવતા ચકચાર મચી જવા પામી છે. બશીર ધરમપુરીયાના પુત્રો આરીફ ધરમપુરીયા ભાઈ ઝુબેર ધરમપુરીયાની પુછપરછ કરી હતી. એનઆઈએની ટીમની સાથે વલસાડ પોલીસનો કાફલો પણ હતા.
વિગતો મુજબ એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમે વલસાડના ખાટકી વાડમાં લગભગ એક કલાક સુધી આરીફ ધરમપુરીયાની ભાઈ ઝુબેરની પુછપરછ કરી હતી. પુછપરછ બાદ એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમ રવાના થઈ હતી. એનઆઈએની ટીમ રવાના થયા બાદ આરીફના ભાઈ ઝુબેરે મીડીયા સાથે વાત કરી હતી અને જણાવ્યું કે એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમે સોમવારે આરીફને સાથે હાજર થવાનું કહ્યું છે. અમારા મકાનમાંથી જરૂરી દસ્તાવેજો, બેન્ક અકાઉન્ટ, ચેકબૂકની કોપી વગેરે લઈ ગયા છે.
એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમે વલસાડમાં શા માટે તપાસનો ધમધમાટ કર્યો તે અંગે હજુ પણ રહસ્ય છે. છતાં પોલીસ સૂત્રો મુજબ દુબઈ કે વિદેશમાંથી મસ્જિદ બનાવવા માટે આવેલા ફંડની તપાસ કરવા માટે એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમ વલસાડ આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે અંદાજે પાંચ કરોડ રૂપિયાની રકમ વિદેશથી ટ્રાન્સફર કરવામાં આવી છે. એનઆઈએની ટીમ દ્વારા રૂપિયા ક્યાંથી આવ્યા અને શા માટે આવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખરેખર નાણા મસ્જિદ બાંધવા માટે આવ્યા હતા કે કેમ તે અંગે વધુ તપાસ કરવા માટે આરીફ અને ઝુબેર ધરમપુરીયાને દિલ્હી ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હવે આ પ્રકરણમાં વધુ શું નીકળશે તે અંગે એનઆઈએની તપાસની રાહ જોવાની રહે છે.
અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ગત રોજ થાણે અને ઔરંગાબાદમાંથી નવ જેટલા આઈએસઆઈએસ સાથે સંકળાયેલા નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર એટીએસ આ અંગે તપાસ ચલાવી રહી છે. મહારાષ્ટ્રમાંથી આઈએસઆઈએસના નેટવર્કનો રેલો વલસાડ સુધી પહોંચ્યો છે કે કેમ તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કશું કહેવામાં આવી રહ્યું નથી. એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમ સાથે વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાયા હતા.