કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાના મત વિસ્તાર અમેઠીના રાઉન્ડ દરમિયાન ખેડુતોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અમેઠીના ગૌરીગંજમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ માંગણી કરી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે લઈ લેવાયેલી જમીન પરત કરવામાં આવે અથવા તેમાં તેમને નોકરી આપવામાં આવે. રાહુલ ગાંધી બુધવારે લોકસભા ચૂંટણીના અનુસંધાને અમેઠીનો પ્રવાસ કરી રહ્યા હતા.
વિરોધ કરી રહેલા ખેડુત સંજયસિંહે કહ્યું કે અમે રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ છીએ. તેમણે ઈટાલી પાછા જતાં રહેવું જોઈએ. તેઓ અહીંયા રહેવાને લાયક નથી. રાહુલ ગાંધીએ અમારી જમીન કબ્જે કરી લીધી છે. ખેડુતોએ સમ્રાટ સાયકલ ફેક્ટરી નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ફેક્ટરીનું ઉદ્વાટન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. અહીંથી જ રાજીવ ગાંધી લોકસભાની સીટ જીત્યા હતા. 1980ના દાયકમાં જૈન બંધુઓએ કૌસર વિસ્તારના ઈન્ડસ્ટ્રીય ઝોનમાં આ ફેક્ટરી માટે 65.57 એકર જમીન લીધી હતી. પરંતુ બાદમાં ફેક્ટરી બંધ થઈ જતાં 2014માં આ જમીનની હરાજી કરી દેવામાં આવી હતી.
સરકાર રેકોર્ડ પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ(UPSIDC)એ 1986માં એક કંપનીને 65.57 એકર જમીન લીઝ પર આપી હતી. પરંતુ કંપની બંધ થઈ જતા તેના પર થઈ ગયેલા દેવાના કારણે ટેક્સ ટ્રીબ્યુનલે આ જમીનની 20.10 કરોડમાં હરાજી કરી નાંખી હતી. હરાજીમાં આ જમીનને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી દેવાયું હતું. ટ્રસ્ટ પર 1.50 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂડી ભરવામાં આવી હતી. પણ બાદમાં UPSIDCએ જમીનના માલિકી હક્કને ગેરકાયદે જાહેર કર્યો હતો. ત્યારથી આ જમીન કાગળ પર UPSIDC પાસે છે. પરંતુ આ જમીન પર કબ્જો રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનો છે. આ પહેલાં પણ ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર જમીન પર કબ્જો કરવાનો આરોપ મૂક્યો હતો.