કોલકાતા ટેસ્ટ પહેલા ધ્રુવ જુરેલનું મોટું નિવેદન! ઋષભ પંત સાથે રમવા અંગે કહી દીધી એવી વાત, જેણે બધાને ચોંકાવી દીધા
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 14 નવેમ્બરથી રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ધ્રુવ જુરેલનું રમવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 14 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચમાં દરેકની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પર રહેશે, જેમાં ઋષભ પંત સિવાય ધ્રુવ જુરેલના રમવાની પૂરી સંભાવના છે. સાઉથ આફ્રિકા ‘એ’ ટીમ સામેની આ ટેસ્ટ સીરિઝ પહેલાંની 2 અનઑફિશિયલ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં જુરેલનું બેટિંગમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં તે બંને ઇનિંગ્સમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. હવે કોલકાતા ટેસ્ટ પહેલાં જુરેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે.

પંત સાથે મારું કોઈ કૉમ્પિટિશન નથી
ધ્રુવ જુરેલે કોલકાતા ટેસ્ટ મેચ પહેલાં જિયો હૉટસ્ટારને આપેલા નિવેદનમાં ઋષભ પંત વિશે કહ્યું કે, “મારા અને તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનું કૉમ્પિટિશન નથી. અમે બંને ભારત માટે રમી રહ્યા છીએ, તેથી કોઈ પણ રમે, બંનેનો ઇરાદો ટીમને જીત અપાવવાનો હોય છે. જો તે રમે તો પણ હું ખુશ છું અને મને તક મળે તો હું મારું 100 ટકા આપવાનો પૂરો પ્રયાસ કરીશ. જો અમે બંને સાથે રમીએ તો તે વધુ સારું રહેશે. અમારું બંનેનું ધ્યાન માત્ર ભારતીય ટીમને અમારા પ્રદર્શનના દમ પર જીત અપાવવા પર હોય છે. આ સીરિઝ ઘણી રોમાંચક રહેવાની છે, જેમાં બંનેના બોલિંગ અટેકને જોઈએ તો ઘણા શાનદાર બોલર હાજર છે. હું આ સીરિઝની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કારણ કે સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન છે.”

હું પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાનો પ્રયાસ કરું છું
પોતાની બેટિંગ વિશે ધ્રુવ જુરેલે કહ્યું કે, “એક ક્રિકેટર તરીકે મને ત્યારે સૌથી વધુ સારું લાગે છે જ્યારે હું મેચ સમાપ્ત થયા પછી પાછો ડ્રેસિંગ રૂમમાં આવું છું અને એ અનુભવું છું કે મેં ટીમને જીત અપાવવામાં કંઈક યોગદાન આપ્યું છે. જ્યારે હું બેટિંગ કરવા માટે મેદાન પર ઊતરું છું, ત્યારે તે સમયે મારી નજર પરિસ્થિતિઓ પર હોય છે અને પછી તે અનુસાર રમવાનો પ્રયાસ કરું છું.” જુરેલનું ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનું પ્રદર્શન જોવામાં આવે તો તેણે કુલ 7 મેચો રમી છે, જેમાં તેને 11 ઇનિંગ્સમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો છે. જુરેલે આ દરમિયાન 47.77ની શાનદાર એવરેજ સાથે 430 રન બનાવ્યા છે. જુરેલ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં એક સદી અને એક અર્ધસદીની ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો છે.

