IPL 2026 ઓક્શન પહેલા CSK ટીમમાં મોટા ફેરફારો નિશ્ચિત! અનેક સ્ટાર પ્લેયર્સની વિદાય લગભગ નક્કી
ચેન્નાઈ સુપર કિંગ્સ ઓક્શન પહેલા અનેક સ્ટાર પ્લેયર્સને રિલીઝ કરવાનું મન બનાવી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, પાંચ વખતની ચેમ્પિયન ટીમ રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેને પણ જાળવી રાખવાના મૂડમાં નથી. આ સાથે જ, રવિન્દ્ર જાડેજા લાંબા સમય પછી CSKથી અલગ થઈ શકે છે.
આઈપીએલ 2026ના ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. પાંચ વખતની ચેમ્પિયન CSK હરાજી પહેલા ઘણા સ્ટાર પ્લેયર્સને ટીમમાંથી બહાર કરવાનો મૂડ બનાવી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈ ઓક્શનમાં ₹30 કરોડના પર્સ સાથે ઉતરી શકે છે.

રવિન્દ્ર જાડેજાનું જવું લગભગ નિશ્ચિત!
ચેન્નાઈમાંથી રવિન્દ્ર જાડેજાનું જવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. CSK અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ચૂકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં સંજુ સેમસન ચેન્નાઈ તરફથી રમતા જોવા મળી શકે છે, જ્યારે જાડેજા અને સેમ કરન રાજસ્થાન તરફથી રંગ જમાવતા દેખાઈ શકે છે.
ચેન્નાઈ ટીમમાં થશે મોટા ફેરફારો
- રિલીઝ થવાની શક્યતા: ચેન્નાઈ સુપર કિંગ્સ ઓક્શન પહેલા રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેને રિલીઝ કરવાના મૂડમાં છે. ઈએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, પાંચ વખતની ચેમ્પિયન ટીમ ઘણા ભારતીય બેટર્સને પણ જાળવી રાખવાના મૂડમાં નથી. આ લિસ્ટમાં વિજય શંકર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠીના નામ પણ સામે આવી રહ્યા છે.
- કોને રિટેન કરશે CSK? ચેન્નાઈ ‘બેબી મલિંગા’ના નામથી જાણીતા મથીશા પથિરાનાને કોઈપણ ભોગે રિટેન કરવા માંગે છે. CSK એમએસ ધોની, ડેવાલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, ખલીલ અહેમદને રિટેન કરી શકે છે. જોકે, પાછલી સીઝનના મોટાભાગના ખેલાડીઓને ચેન્નાઈ રિલીઝ કરી શકે છે. શ્રેયસ ગોપાલ અને નાથન એલિસને પણ CSK રિલીઝ કરી શકે છે.

જાડેજા-કરન સામે સંજુ સેમસન!
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી ડીલ તેના અંતિમ તબક્કામાં છે. જો બંને ટીમો વચ્ચે વાત બની જશે, તો IPL 2026માં સંજુ સેમસન યલો જર્સીમાં રમતા જોવા મળશે. આ સાથે જ, લાંબા સમય પછી રવિન્દ્ર જાડેજાની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી વિદાય થઈ જશે.
જોકે, તમને જણાવી દઈએ કે જાડેજાએ પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત રાજસ્થાન સાથે જ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, જાડેજાએ રાજસ્થાન ટીમમાં સામેલ થવા માટે એક શરત મૂકી છે. જડ્ડુની ઈચ્છા છે કે તે કેપ્ટન બનીને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં ‘પિન્ક આર્મી’નું નેતૃત્વ કરે.

