HSRP (હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ)ને સુરત આરટીઓ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. HSRP નંબર પ્લેટ માટે આરટીઓએ પહેલી ફેબ્રુઆરીની ડેડલાઈન ફિક્સ કરી છે. પહેલી ફેબ્રુઆરીથી HSRP નબર પ્લેટ ફરજિયાત કરી દેવામાં આવી છે અને જો નંબર પ્લેટ નહીં હશે તો દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
HSRP નંબર પ્લટે અંગે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી હતી પરંતુ વાહન ચાલકો અને વાહન માલિકો દ્વારા નંબર પ્લેટ ફીટ કરાવવામાં બેદરકારી દાખવવામાં આવતા આરટીઓ દ્વારા સખત વલણ અખત્યાર કરવામાં આવ્યો છે. એવું મનાય છે કે સુરતમાં હજુ પણ 10 લાખ વાહનોમાં HSRP નંબર પ્લેટ નથી.
સુરત શહેરમાં આરટીઓ સહિત 62 જગ્યાએ હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. પહેલી ફેબ્રુઆરીથી વર્ષ 2012 પછીના વાહનોમાં HSRPનંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવશે. જો નવી નંબર પ્લેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ તરફથી દંડ ફટકારવામાં આવશે.
આ માટે ટૂ વ્હીલરને રૂ.100, થ્રિ વ્હીલરને રૂ.200, ફોર વહીલરને રૂ. 300 અને મોટા વાહનોને રૂ. 500 દંડ કરવામાં આવશે. દંડની આ રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે વિવિધ શહેરમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે કોર્ટે પણ નવી નંબર પ્લેટ લગાવવા માટે અનેક મુદતો આપી છે. જોકે, વાહનોનો ધસારાને લઈને અનેક શહેરોમાં નવી નંબર પ્લેટ લગાવવાનું કામ પૂરું થઈ શક્યું નથી. હવે 10 લાખ વાહનોમાં HSRP નંબર પ્લેટ નથી અને માત્ર 6 દિવસનો સમય બાકી છે ત્યારે કેવી રીતે 10 લાખ વાહનોમાં નંબર પ્લેટ ફીટ કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે.