ભારે વરસાદથી બગડેલા પાક વચ્ચે ખેડૂતોને મળ્યો આર્થિક ટેકો, 800 રૂપિયે મણદીઠ ભાવ
આ વર્ષે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે મગફળીના પાકને ગંભીર નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળી ખેતરમાં જ પલળી ગઈ અથવા બગડી ગઈ, જેના કારણે તેઓ ભારે ચિંતામાં મુકાયા છે. કેટલાક ખેડૂતો પોતાના પાકને જમીનમાં દાટી દેતા અથવા બાળી દેતા દેખાયા હતા. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતોની મદદે આવી છે અને તેમણે બગડેલી મગફળીની ખરીદી શરૂ કરી છે.
ખેડૂતોને 800 રૂપિયે મણદીઠ વળતર, રાહતનો શ્વાસ
એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝના માલિક ફારુકભાઈ સૈયદે જણાવ્યું કે આ પહેલનો હેતુ નફો કમાવાનો નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદરૂપ થવાનો છે. તેમણે જણાવ્યું કે ઘણા ખેડૂતોને માર્કેટમાં ફક્ત 300 થી 400 રૂપિયાનો ભાવ મળતો હતો, જ્યારે તેઓએ નક્કી કર્યું કે બગડેલી, ઊગી ગયેલી કે પલળી ગયેલી કોઈપણ મગફળી માટે ખેડૂતોને સીધો 800 રૂપિયાનો ભાવ આપવામાં આવશે. આ નિર્ણય બાદ રોજ 300થી વધુ ખેડૂતો પોતાની મગફળી લઈને એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝ પહોંચી રહ્યા છે.

કુદરતી આફતમાં સહાનુભૂતિનો હાથ
ફારુકભાઈએ જણાવ્યું કે ગામના પાંચ આગેવાનોની સલાહ બાદ આ પહેલની શરૂઆત થઈ. વરસાદ અને પાણી ભરાવાના કારણે અનેક ગામોમાં ખેડૂતોના પાક પૂરેપૂરા નાશ પામ્યા હતા. કોઈ મગફળી પશુઓને ચરાવી દેતા હતા તો કોઈ રોટાવેટરથી ખેતરમાં નાશ કરી રહ્યા હતા. પરંતુ હવે આ પહેલથી ખેડૂતોને તેમની મહેનતનું કંઈક યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે અને તેઓમાં નવી આશા જાગી છે.
ખેડૂતોમાં ખુશી, રોકડ ચુકવણીની સુવિધા
એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં મગફળી વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મજૂરી અથવા વાહન ખર્ચની ચિંતા રહેતી નથી. મગફળી લાવતાં જ તુરંત રોકડ ચુકવણી મળી જાય છે. જેસર ગામના સરપંચ વીરેન્દ્રસિંહે જણાવ્યું કે આ સેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. કુદરતી આફતની વચ્ચે જ્યારે બધે નુકસાનનું વાતાવરણ છે, ત્યારે આ પહેલ ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે.

અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ થઈ રહ્યા છે લાભાન્વિત
ભાવનગર ઉપરાંત અમરેલી, જુનાગઢ અને આસપાસના જિલ્લાઓના ખેડૂતો પણ હવે એફ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં બગડેલી મગફળી વેચવા આવી રહ્યા છે. અમરેલીના ખેડૂત યોગેશભાઈએ જણાવ્યું કે તેઓને પોતાના વિસ્તારની માર્કેટમાં ફક્ત 300 થી 400 રૂપિયાનો ભાવ મળતો હતો, પરંતુ જેસરમાં 800 રૂપિયાનો ભાવ સાંભળીને તેઓ અહીં આવ્યા અને સંતોષકારક વળતર મળતાં ખુશ થઈ પાછા ગયા. આ પહેલ ખેડૂતોમાં આશાનો સંદેશ ફેલાવી રહી છે કે મુશ્કેલીના સમયમાં પણ મદદની કોઈને કોઈ રીત હોય જ છે.

