માત્ર 15 હજાર રૂપિયામાં મળતી હતી નકલી માર્કશીટ
આધુનિક યુગમાં શિક્ષણને સફળતાનો આધાર માનવામાં આવે છે, પરંતુ હવે ડિગ્રી પણ નકલી રીતે મેળવવી શક્ય બની ગઈ છે. ભરૂચ જિલ્લામાં એક એવું ચોંકાવનારા કૌભાંડનું ભાંડાફોડ થયું છે, જ્યાં ધોરણ 10, 12 અને ITIની નકલી માર્કશીટ માત્ર 15 હજાર રૂપિયામાં તૈયાર કરી આપવામાં આવતી હતી. એક જ અઠવાડિયામાં તૈયાર થતી આ નકલી માર્કશીટો માટે અભ્યાસ કે પરીક્ષાની જરૂર પડતી ન હતી.
ભરૂચ એસ.ઓ.જી.ની તપાસમાં ઝડપાયુ રોયલ એકેડમી કૌભાંડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં આવેલી હેપ્પી કોમ્પલેક્ષની રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ચાલતું આ કૌભાંડ એસ.ઓ.જી. પોલીસની નજરે ચઢ્યું. પોલીસે દરોડો પાડી ધો.10, 12 અને ITIની નકલી માર્કશીટો, એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને મોબાઈલ મળી કુલ 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ સમગ્ર કામગીરી દરમિયાન ગાર્ડન સિટી, કોસમડી અંકલેશ્વરના રહેવાસી જયેશ કિશનલાલ પ્રજાપતિને પોલીસે ઝડપી લીધો.

નકલી માર્કશીટ માટે લેવામાં આવતો 15 હજાર રૂપિયાનો સોદો
પોલીસ તપાસમાં ખુલ્યું કે રોયલ એકેડમીમાં નકલી સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી 15 હજાર રૂપિયા રોકડ અથવા ઓનલાઈન લેવાતા હતા. ઓનલાઈન પેમેન્ટમાં 7,500 રૂપિયા લેવામાં આવતાં હતા. આ રકમ બાદ વિદ્યાર્થીને એક અઠવાડિયામાં તૈયાર નકલી માર્કશીટ આપવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી નકલી ડોક્યુમેન્ટ્સ, કમ્પ્યુટર સીપીયુ અને કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દિલ્હીની કડી – એક શખ્સ જાહેર કરાયો વોન્ટેડ
પોલીસે વધુ તપાસ દરમ્યાન ખુલાસો કર્યો કે આ કૌભાંડમાં દિલ્હીનો એક શખ્સ પણ સંડોયેલો છે, જેનું નામ હજી સુધી સામે આવ્યું નથી. તેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે નકલી માર્કશીટ બનાવવાની પ્રક્રિયામાં આ વ્યક્તિ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. હાલ આ આખા કૌભાંડની તપાસ ભરૂચ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા વિસ્તૃત સ્તરે ચાલી રહી છે.

નકલી કલાસીસથી ચેતવાની જરૂર
આ કૌભાંડના ભાંડાફોડ બાદ એસ.ઓ.જી.એ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવા નકલી કલાસીસ અને ટ્રેનિંગ સેન્ટરોથી સાવચેત રહેવું જોઈએ. નકલી ડિગ્રી મેળવવી માત્ર કાયદેસર ગુનો નથી પરંતુ વ્યક્તિના ભવિષ્યને પણ અંધકારમય બનાવી શકે છે. ભરૂચ એસ.ઓ.જી.ની સમયસરની કાર્યવાહીથી હવે અનેક નકલી શિક્ષણ ગેંગ સામે કડક પગલાં લેવાની શક્યતા છે.

