મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ એક સાથે સ્ટેજ પર જોવા મળે તો રાજકારણમાં ગરમાટો આવ્યા વગર રહે નહીં. રાજ ઠાકરે અને અહેમદ પટેલ એક સામાજિક કાર્યક્રમમાં એક સાથે જોવા મળ્યા અને સાથે ફોટો પણ પડાવ્યો હતો.
ફંકશન હતો રાજ ઠાકરેના પુત્રના લગ્નનો. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ મોંઘીદાટ ગિફટ લઈને પ્રોગ્રામમાં પહોંચ્યા અને વર-વધુને આશિર્વાદ પણ આપ્યા તો સાથો સાથે ફાયર બ્રાન્ડ નેતા રાજ ઠાકરે અને તેમની ફેમિલી સાથે ફોટો પણ પડાવ્યો હતો. અહેમદ પટેલ આમ તો સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે. પરંતુ વીવીઆઈપી પ્રસંગને ખાસ મહત્વ આપતા હોય છે. અહેમદ પટેલ હાલ રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી છે અને તેઓ ભૂતકાળમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કાર્યરત હતા.
કોંગ્રેસમાં રાહુલ યુગના પ્રારંભની સાથે શરૂઆતમાં અહેમદ પટેલને કટ ટૂ સાઈઝ કરાયા બાદ તેમને ફરીથી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંગઠનને મજબૂતી આપવા માટે મચી પડેલા જણાય છે. રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં અનેક રાજકીય અને ફિલ્મી હસ્તીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.