સાણંદના ગામોમાં વીજ વિભાગ હરકતમાં, ચોરી પકડાતા ભારે દંડની કાર્યવાહી
સાણંદ તાલુકામાં વીજ વિભાગે વીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા સંયુક્ત રીતે મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં વીજ કનેક્શન ધરાવતા ઘર તથા ખેતીવાડી એકમોમાં વીજ ચોરી થાય છે કે નહીં તે માટે સઘન ચકાસણી હાથ ધરાઈ હતી. વીજ પુરવઠાની ગેરરીતિ અંગે મળતી ફરિયાદો અને આશંકાને ધ્યાને રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
39 ટીમોનું મેગા સર્ચ ઓપરેશન, ઘરો અને ફાર્મ હાઉસમાં તપાસ
આ તપાસ માટે કુલ 39 ટીમો ઉતારવામાં આવી હતી, જેમાંથી 19 ટીમો UGVCLની અને 20 ટીમો GUVNLની હતી. આ ટીમોએ માધવનગર, પીપળ, કાણેટી, જુડા, માણકોલ, અણદેજ અને ચેખલા જેવા ગામોમાં વીજ કનેક્શનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 1445 જેટલા વીજ કનેક્શન ધરકોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વીજ વિભાગે ખાસ ધ્યાન રાખ્યું કે કોઈ ઘર કે ખેતીવાડી એકમમાં વીજ પુરવઠાનો ગેરકાયદે ઉપયોગ થતો નથી ને?

134 કનેક્શનમાં વીજ ચોરી સાબિત, એક કરોડનો દંડ ફટકારાયો
ચકાસણી દરમિયાન 134 કનેક્શનમાં સીધી વીજ ચોરી કે ગેરરીતિ સામે આવી હતી. આ તમામ ગ્રાહકોને મળીને વીજ વિભાગે કુલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી સાણંદ તાલુકામાં વીજ ચોરી કરનારાઓમાં હડકંપ મચી ગયો છે. હાલ પણ અનેક ગામોમાં વીજ કંપનીઓની તપાસ ચાલુ છે અને અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આવતા દિવસોમાં વધુ ગેરરીતિઓ સામે આવી શકે છે.

વિભાગની સતત નજર, વધુ તપાસની સંભાવના
સાણંદ ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને જ્યાં પણ વીજ ચોરીનો શંકાસ્પદ પુરાવો મળશે ત્યાં તાત્કાલિક કાર્યવાહી થશે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી રોકવા માટે સતત ચકાસણી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે ઊર્જા વિભાગ હવે વીજ ચોરી સામે સંપૂર્ણ સજ્જ છે અને કોઈને પણ છોડવાની નથી.

