અંધકારમાંથી પ્રકાશ તરફ: ડૉ. અતુલ બદિયાણીના વિશ્વ રેકોર્ડથી સૌને પ્રેરણા
રાજકોટના જાણીતા આંખના સર્જન ડૉ. અતુલ બદિયાણીનું જીવન એ સાબિત કરે છે કે જો કોઈ કાર્યમાં માનવસેવાનો તત્વ જોડાય તો તે માત્ર વ્યવસાય ન રહે, પરંતુ એક પુણ્યયજ્ઞ બની જાય. છેલ્લા ત્રણ દાયકાથી તેઓએ પોતાના કુશળ હાથો દ્વારા 2,01,155 જેટલા આંખોના ઓપરેશન કરીને અંધકારમાં જીવતા લોકોને ફરી પ્રકાશનું દાન આપ્યું છે. આ આંકડો માત્ર એક તબીબી સિદ્ધિ નથી, પરંતુ હજારો પરિવારોમાં ખુશીના પ્રકાશની લાગણીનું પ્રતિબિંબ છે.
સેવાભાવથી શરૂ થયેલી પ્રકાશયાત્રા
વર્ષ 1994માં ડૉ. બદિયાણીએ વીરનગર સ્થિત શિવાનંદ મિશનમાં પોતાના તબીબી જીવનની શરૂઆત કરી હતી. અહીં ડૉ. શિવાનંદ અધ્વર્યુના માર્ગદર્શન હેઠળ દર્દી સેવા કરવાની પ્રેરણા મળી. આ સમય દરમિયાન તેમણે સમજ્યું કે સાચી તબીબી સેવા એ માત્ર રોગ દૂર કરવી નથી, પરંતુ જરૂરિયાતમંદના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવો છે. 1994થી 1996 દરમિયાન તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં 200 જેટલા નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજીને ગરીબ લોકો માટે નવી દ્રષ્ટિ આપી અને અંધાપા નિવારણની દિશામાં એક મજબૂત પગલું ભર્યું.

ચેરિટેબલ હોસ્પિટલ સાથે નવી દિશામાં યોગદાન
18 જુલાઈ 2008ના ગુરુ પૂર્ણિમાના દિવસે તેઓ રાજકોટની શ્રી રણછોડદાસબાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ સાથે જોડાયા. આ સંસ્થા ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની સેવાકીય પ્રતિષ્ઠા માટે જાણીતી છે. અહીં ડૉ. બદિયાણી છેલ્લા 17 વર્ષથી સિનિયર સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે હજારો દર્દીઓને ઓછા ખર્ચે શ્રેષ્ઠ ઉપચાર આપીને તબીબી જગતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિશ્વ રેકોર્ડ અને પ્રતિભાનું માન
18 એપ્રિલ 2016નો દિવસ ડૉ. બદિયાણીની કારકિર્દીનો ઐતિહાસિક ક્ષણ બની ગયો, જ્યારે તેમણે ફેકો મશીન ટેકનિકથી ટાંકાવગરના 224 મોતિયાના ઓપરેશન એક જ દિવસે પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સિદ્ધિ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી અને તેમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. આ યાત્રા દરમિયાન તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, પરંતુ તેમના માટે સાચો પુરસ્કાર તો એ છે કે હજારો દર્દીઓ આજે સ્વસ્થ દ્રષ્ટિ સાથે જીવન જીવી રહ્યા છે.

સેવા પરંપરાને આગળ વધારતો પરિવાર
ડૉ. અતુલ બદિયાણીના પરિવારજનો પણ હવે આ સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે. તેમના મોટા પુત્ર ડૉ. નિખિલેશ બદિયાણી 2025માં M.S Ophthalmology પૂર્ણ કરીને આંખના સર્જન તરીકે કાર્યરત થયા છે, જ્યારે નાના પુત્ર ડૉ. વર્ષિલ બદિયાણી પણ M.B.B.S પૂર્ણ કરીને તબીબી ક્ષેત્રમાં પ્રવેશી ગયા છે. આ રીતે આખો પરિવાર સેવા અને માનવતાના માર્ગે આગળ વધી રહ્યો છે. ડૉ. અતુલ બદિયાણીની આ જીવનયાત્રા એ જીવંત ઉદાહરણ છે કે જ્યારે કાર્યને પૂજા બનાવી લેવાય, ત્યારે તે સમાજમાં પ્રકાશ ફેલાવવાનું સાધન બની જાય છે.

