નવા બંદર મસ્જિદમાં કાશ્મીરી શખ્સોને આશ્રય, મૌલવી સામે જાહેરનામા ભંગનો કેસ
દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ તંત્રને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે અને દરેક શંકાસ્પદ હલચલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત જુનાગઢ SOGની ટીમે માંગરોળમાંથી બે કાશ્મીરી વ્યક્તિઓને શંકાસ્પદ પરિસ્થિતિમાં ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ સ્થાનિક મદ્રેસાઓમાંથી ફાળો એકત્ર કરી રહ્યા હતા. હાલ તેમને વધુ તપાસ માટે જુનાગઢ ખાતે લઈ જવાયા છે.
ઉના નવા બંદરમાં પણ કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સોની પૂછપરછ
બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સોની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ મદ્રેસાઓ માટે ફાળો એકઠો કરવા મધ્યપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. વડોદરા, માંગરોળ, કોડીનાર અને દીવમાં ફર્યા બાદ તેઓ નવા બંદર ખાતે પહોંચી મસ્જિદમાં રાત્રી રોકાયા હતા. પરંતુ મસ્જિદના સંચાલક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમની હાજરી અંગે જાણ ન કરતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

મસ્જિદના મૌલવી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
નવાબંદર મરીન પોલીસ દ્વારા મદિના મસ્જિદના મૌલવી મહમદ અમીન આજમમિયા સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે તેમણે જમ્મુ-કાશ્મીરથી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોને પોલીસને જાણ કર્યા વગર આશ્રય આપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સોમાં જાવેદ અહમદ મહમદ રશીદ ચોહાણનો ભાઈ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસે તેમના તમામ ઓળખપત્રો અને દસ્તાવેજો જપ્ત કરી લીધા છે.

હાલની તપાસમાં શંકાસ્પદ તથ્ય ન મળતાં મુક્ત કરાયા
SOG અને મરીન પોલીસની સંયુક્ત પૂછપરછ બાદ આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા તથ્ય સામે આવ્યું નથી. તેમ છતાં, તેમના બેન્ક એકાઉન્ટ્સ, મોબાઇલ કૉલ ડીટેલ્સ અને સંપર્કો અંગેની વધુ તપાસ ચાલુ છે. નવાબંદર પોલીસના ઈનચાર્જ PSI જેબલિયાએ જણાવ્યું કે આ કેસની તપાસ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા પણ હાથ ધરાશે. હાલ સુધીની માહિતી મુજબ કોઈ પણ પ્રકારની અપરાધિક પ્રવૃત્તિનો પુરાવો મળ્યો નથી, પરંતુ સંપૂર્ણ સ્પષ્ટતા માટે તપાસ ચાલુ રહેશે.

