ગુજરાતના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. શરદ પવારે શંકરસિંહને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિમણૂંક આપવાની પણ ઘોષણા કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે લોકશાહી ભયમાં છે અને દેશની સ્વતંત્ર એજન્સી પર તરાપ મારવામાં આવી રહી છે. બંધારણમાં એક જ દિવસમાં સુધારો કરવામાં આવ્યો અને દેશને તેની જાણ પાછળથી કરવામાં આવે છે. દેશની લોકશાહીને બચાવવા માટે સક્રીય થવું પડ્યું છે. આરબીઆઈ, ચૂંટણી પંચ, સીવીસી, સીબીઆઈ સીએજી, સુપ્રીમ કોર્ટ એમ બધી જ એજન્સીઓનું ગળું ટૂંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપને દિલ્હી અને ગુજરાતમાંથી સત્તામાંથી દુર કરવા માટે એનસીપીમાં જોડાયું છું.
શરદ પવારે શંકરસિંહને એનસીપીની મેમ્બરશીપ સુપરત કરી હતી અને બાદમાં એનસીપીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. શરદ પવારે કહ્યું કે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં આવતાં ગુજરાતમાં પાર્ટીના કાર્યકરોનો જુસ્સો વધશે. દેશભરમાં અલગ અલગ રીતે જોડાણ કરવામાં આવી રહ્યા છે અને શંકરસિંહના અનુભવ અને વ્યાપનો જરૂરથી લાભ મળશે. તેમને મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારવા શરદ પવારે અપીલ કરી હતી.
નોંધનીય છે કે આ પહેલાં શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જન વિકલ્પ નામે પાર્ટી શરૂ કરી હતી અને તેમના તમામ 125 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હતી. તેઓ બે દાયકા સુધી કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા રહ્યા હતા. બાપુએ આરએસએસથી રાજકીય કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં ભાજપમાં ગયા અને 1997માં ભાજપ છોડી દીધું હતું અને રાજપાની રચના કરી હતી.