રાજસ્થાનમાં વિધાનસભાની બેઠક પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. રામગઢ અને જીંદ વિધાનસભા બેઠકની મત ગણતરી શરૂ થયા બાદ રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાફીયા ઝુબેરને 12 હજાર મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે રાજસ્થાનની બીજી બેઠક જીંદની મતગણતરીમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર છે અને ભાજપ તેમાં આગળ હોવાની જાણકારી મળી રહી છે.
રાજસ્થાનમાં સત્તારુઠ કોંગ્રેસે અલવરમાં આવતી રામગઢ વિધાનસભા સીટ પર વિજય હાંસલ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સાફીયા ઝુબેરને 83,311 વોટ મળ્યા હતા. ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર સુખવંતસિંહ દ્વિતીય સ્થાને રહ્ય હતા. તેમને 71,083 વોટ મળ્યા હતા. જ્યારે બસપાના ઉમેદવાર જગતસિંહને 24,856 વોટ મળ્યા હતા.
આ વિજયની સાથે જ 200 બેઠક ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસની 100 સીટ થઈ ગઈ છે. કોંગ્રેસે રાજસ્થાનમાં સેન્ચ્યુરી ફટકારી છે. હવે કોંગ્રેસ પાસે જરૂરી બહુમતિ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સાતમી ડિસેમ્બરે રાજસ્થાનની 200 પૈકી 199 સીટ માટે મતદાન થયું હતું. રામગઢ સીટ પર બસપાના ઉમેદવારનું ચાલુ ચૂંટણી દરમિયાન નિધન થતાં ચૂંટણીને સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રામગઢ ચૂંટણીને લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું કે મને આનંદ છે કે લોકોએ યોગ્ય નિર્ણય કર્યો. જનતાનો આભારી છું. સાફીયા ઝુબેરે કહ્યું કે લોકો જાણે છે કે કામમાં કોણ વિશ્વાસ રાખે છે.