મોદી સરકારે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટ પર સીધી રીતે ચૂંટણીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. બજેટમાં આવક સંબંધિત જોગવાઈને લઈ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નાણા મંત્રી પિયુષ ગોયલે બે કલાક સુધી કરેલા બજેટ ભાષણમાં કહ્યું કે માત્રો પાંચ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને હવે કોઈ આવકવેરો ભરવાની જરૂર રહેશે નહીં. જો આવક પાંચ લાખ કરતાં એક રૂપિયો પણ વધારે હશે તો તેના પર ટેક્સ ભરવાનો રહેશે. આનો મતલબ એ નથી કે આવક મર્યાદા પાંચ લાખ રૂપિયાની કરી દેવામાં આવી છે. નાણા મંત્રી દ્વારા કરાયેલી આવક મર્યાદા અંગેની જાહેરાતને લઈ મૂંઝવણ ફેલાઈ ગઈ છે. પ્રથમ નજરે લોકો તથા નિષ્ણાતોને પણ એમ જ લાગ્યું છે કે સરકારે આવક મર્યાદાની છૂટ પાંચ લાખ રૂપિયા કરી દીધી છે.
પિયુષ ગોયલે બાદમાં મીડિયા સમક્ષ આવીને આ બાબતે વધુ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે વચગાળાના બજેટમાં માત્ર પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. જો પાંચ લાખ રૂપિયા કરતાં એક રૂપિયો પણ વધારે હશે તો 2.5 લાખ રૂપિયા પર આવક વેરાની મૂકિતના અધિકારી બની શકશો.
દાખલા તરીકે જો તમારી આવક 6 લાખ રૂપિયા વાર્ષિક છે તો તમારે 2.5 લાખ રૂપિયા આવક વેરા મૂક્તિ મળી શકશે. જ્યારે 3.5 લાખ રૂપિયાની આવક હશે તો અગાઉની જેમ જ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે, રોકાણની અન્ય જોગવાઈનો લાભ લઈ ટેક્સ બચાવી શકશો.
આ ઉપરાંત નાણા મંત્રીએ વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ કપાતની મર્યાદા 40 હજારથી વધારીને 50 હજાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગોયલે લોકસભામાં 2019-20ના બજેટને રજૂ કરી મધ્યમ વર્ગના ત્રણ કરોડ ટેક્સ પેયરને લાભ આપતી જાહેરાત કરી છે. માત્ર પાંચ લાખની આવક પર ટેક્સ લાગુ નહીં કરવાના કારણે સરકારી તિજોરી પર વાર્ષિક 18,500 કરોડનો બોજો પડશે.
આની સાથો સાથ નાણા મંત્રીએ બેન્કો અને પોસ્ટ ઓફીસમાં ડિપોઝીટ થતી રકમ પર 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ નહીં કાપવાની પણ જાહેરાત કરી છે. આ પહેલાં આ છૂટ 10 હજાર રૂપિયા સુધી સીમીત રહેલી હતી.