સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીતને પડકારતી અરજીની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ચોંકાવનારી ઘટના કોર્ટની સમક્ષ આવી હતી. અહેમદ પટેલની જીતને પડકારતી ચૂંટણીની પીટીશનના મહત્વના પેપર કોર્ટમાંથી ગૂમ થતાં કોર્ટે તપાસના આદેશ કર્યા છે. સાથો સાથ પીટીશન કરનારા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો પણ અદાલતે ઉઘડો લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને સુપરત કરાયેલા ડોક્યુમેન્ટ્સ પૈકીના કેસ સંબંધિત મહત્વના કાગળીયા કોર્ટની ફાઈલમાંથી ગૂમ થયેલા હોવાનું અદાલતના ધ્યાને આવ્યું હતું. અદાલતે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પણ કોર્ટને ધ્યાને આવતા ન્યાયિત તપાસના આદેશ કર્ય હતા.
ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને પણ સવાલોના જવાબમાં ફેરવી તોળવાના કારણે કોર્ટે બરાબરનું સંભળાવ્યું હતું અને ટકોર કરી હતી કે સવાલોના ગોળ ગોળ જવાબ આપવાના બદલે સીધા જવાબો આપો. કોર્ટે બીજી વાર બલવંતસિંહ રાજપૂતને આવી રીતે આડે હાથે લીધા હતા. બલવંતસિંહ રાજપૂત હાલ ગુજરાત જીઆઈડીસીના ચેરમેન છે. આજે કોર્ટમાં બલવંતસિંહ તરફે રજુ કરાયેલી એફિડેવિટની ચકાસણી કરવામાં આવી હતી અને દરેક પુરાવા અંગે બલવંતસિંહ તરફે દલીલો કરવામાં આવી હતી.
કોર્ટ કાર્યવાહી સંબંધિત કાગળો ગૂમ થવાના મામલે કોર્ટે આઠમી ફેબ્રુઆરી સુધીમાં સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપતા કોર્ટ પરિસરમાં એક તબક્કે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.