પાટીદાર અનામત આંદોલનમા્ મહિલા ચહેરો ધરાવતા રેશ્મા પટેલે કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા અંગે ભાજપ પર હુમલો કર્યો છે. રેશ્મા પટેલે આશા પટેલને રાજીનામું નહીં આપવા અને તાનાશાહીવાળી પાર્ટી ભાજપમાં નહીં જોડાવાની અપીલ કરી ભાજપના લીરેલીરા કર્યા હતા.
રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં આશા પટેલને સંબોધીને લખ્યું કે હું આશાબેન ને એટલું ચોક્કસ કઇશ કે તમે તાનાશાહોની મારી ભાજપા પાર્ટીમાં જોડાવા ઇચ્છતા હોય તો રોકાઈ જજો. લોકો ના કામ કરવા ભાજપ નથી માત્ર તાનાશાહો ના કામ અને જીહજૂરી કરવા માંગતા હોય તોજ જોડાજો, કારણકે તમે વિરોધ પક્ષમાં રહી જે લોકોનાં કામ કરી શકશો એ ભાજપામાં નહીં કરી શકો. આશાબેન તમારી આશા પર પાણી ફરશે એ દાવા સાથે કવ છું. ભાજપનાં ધારાસભ્યોની હાલત તો કહેવાતુ પણ નથી અને સહેવાતુ પણ નથી એવી છે. વિરોધ પક્ષનાં નેતાઓ લોકોના કામ કરવા માટે બુમો તો પાડી શકે છે, ભાજપમાં કઇ કરી શકશો નહીં.
રેશ્મા પટેલે આ અગાઉ પણ ભાજપની નીતિ-રીતિઓની આકરી ટીકા કરી હતી. ખાસ કરીને પાટીદાર યુવાનોને ન્યાય આપવાના મામલે રેશ્મા પટેલે સરકારને આડે હાથે લીધી હતી. આ ઉપરાંત ગુજરાતના એક માત્ર આદિવાસી સચિવ અનિલ પટેલને લઈ પણ રેશ્મા પટેલે સરકાર અને વહીવટમાં બેઠેલા કેટલાક અધિકારીઓ અને નેતાઓ સામે બાંયો ચઢાવી હતી. આ વખતે રેશ્મા પટેલે આશા પટેલને લઈ ભાજપ પર ફરી વાર આક્રમક હુમલો કર્યો હતો.