રાજકારણમાં અચાનક ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મહેસાણાના ઉંઝાના કોંગ્રેસના આશા પટેલે સીધું ધારાસભ્ય પદેથી જ રાજીનામું ધરી દઈને કોંગ્રેસને જોરદાર લાફો માર્યો છે ત્યારે આશા પટેલ માટે ભાજપના દરવાજા ખૂલ્લા થઈ ગયા છે. આશા પટેલ મહેસાણામાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી માહિતી જાણવા મળી રહી છે.
આમ તો આશા પટેલે પોતે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે બળાપો કાઢીને રાજીનામું આપી દીધું છે. પરંતુ ખરેખર સ્થાનિક રાજકારણને જોઈએ તો આશા પટેલની મહત્વકાંક્ષા લોકસભાની ચૂંટણી લડવાની હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા ટીકીટ મામલે નકારાત્મક સિંગ્નલ મળતા તેમણે કોંગ્રેસ છોડવાના બદલે સીધું ધારાસસભ્ય પદ છોડી દેવાનો જ નિર્ણય કર્યો. એવું કહેવાય છે કે આશા પટેલ અંગે ભાજપ દ્વારા એક મહિનાથી કસરત કરવામાં આવી રહી હતી અને કોંગ્રેસના નેતાઓએ આશા પટેલને જરા પણ મચક આપી ન હતી અને લોકસભાની ચૂંટણીની ટીકીટ આપવાનો ઈન્કાર કરતા આશા પટેલે ભાજપની છાવણીમાં દાણો ચાંપીને જોયો અને તીર બરાબર નિશાના પર બેસી ગયું. હવે મહેસાણામાંથી ભાજપ તેમને લોકસભાની ટીકીટ આપે છે કે કેમ તે જોવાનું રહે છે.
આશા પટેલમાં ભાજપને જયશ્રીબેન શિયાલનો વિકલ્પ દેખાઈ રહ્યો છે. આ વખતે જયશ્રીબેનને ટીકીટ મળવાની શક્યતા નહિવત જેવી છે. જેથી કરીને ભાજપને મહિલા ઉમેદવારની શોધ હતી અને તે આશા પટેલના રૂપે સાકાર થઈ રહી હોવાનો આનંદ ભાજપની છાવણીમાં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આશા પટેલના કારણે કોંગ્રેસ નથી પણ કોંગ્રેસના કારણે આશા પટેલ હતા. આશા પટેલે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાનું મહેસાણા કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે.
ખાસ તો ઉલ્લેખ એ વાતનો છે કે કોંગ્રેસમાંથી ટીકીટની લહાયમાં જીવા પટેલે કોંગ્રેસ છોડી દીધી હતી પરંતુ જીવા પટેલને ચેરમેનપદું આપીને ભાજપે પહેલાંથી જીવા પટેલ પર ટીકીટ મામલે લગામ કસી દીધી છે. જીવા પટેલે હવે લોકસભાના નામનું નાહી નાંખવાનો વારો આવ્યો હોય એવું લાગે છે. નવા સમીકરણમાં જીવા પટેલની દશા કફોડી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ ઉપરાંત મહેસાણા કોંગ્રસના નેતા કિર્તીસિંહ ઝાલા સાથેનો અણબનાવ પણ આશા પટેલને ભાજપ તરફ દોરી ગયો હોવાનું જાણકારો માની રહ્યા છે. કિર્તીસિંહ ઝાલા સાથે આશા પટેલને જરા સરખું પણ ફાવતું ન હતું અને બન્ને વચ્ચે કેટલીક બાબતોમાં મોટા વિવાદો પણ થયા હોવાનું સ્થાનિક કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે.