ટીવી પર કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ઘરેઘર લોકપ્રિય છે. પાછલા કેટલાક સમયથી સિરિયલની નાયિકા દયાબેન એટલે કે દિશા વંકાણીને લઈ સિરિયલ વિવાદમાં આવી ગઈ છે. ન્યૂઝ મળી રહ્યા છે કે દયાબેને સિરિયલ છોડી દીધી છે અને તેનું રિપ્લેસમેન્ટની શોધ ચાલી રહી છે.
સિરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ આ મામલે હવે મૌન તોડ્યું છે. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા આસિત કુમાર મોદીએ કહ્યું કે અભિનેત્રી સાથે કોઈ વિવાદ નથી. દિશા પાછલા એક વર્ષથી અમારી સાથે કામ કરી રહી નથી. અમે સમજીએ છીએ કે કોઈ પણ માતા પોતાના બાળક સાથે સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પરંતુ હવે દિશાની દિકરી મોટી થઈ ગઈ છે અને તે એક વર્ષની છે. આવા સંજોગોમાં હવે દિશાએ સિરિયલમાં પાછા ફરી જવાની જરૂર છે. મારા દર્શકો દિશાની સિરિયલમાં ગેરહાજરી અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ સિરિયલના રેટીંગ પણ દયાબેનની ગેરહાજરીની કોઈ અસર થઈ નથી.
આસિત કુમાર મોદીએ વધુમાં કહ્યું કે અમે દિશાને નિર્ણય કરવા માટે સમય આપ્યો છે. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે તો એવું કશું પણ નથી. અમારી ટીમ તેના સંપર્કમાં છે. અમે હજુ પણ તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પંરતુ અમારે ટૂંક સમયમાં જ નિર્ણય કરવો પડે એમ છે. જો દિશા યોગ્ય સમયે નિર્ણય નહીં કરશે તો અમારે રિપ્લેસ કરવાની ફરજ પડશે. મારું માનવું છે કે કોઈ પણ કલાકાર સિરિયલથી મોટો હોતો નથી. શો ચાલુ રહેશે.