ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં પ્રદેશ નેતાગીરીને લઈ ચાલી રહેલા અસંતોષના વંટોળને થાળે પાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હરકતમાં આવી ગયા છે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસની આ સ્થિતિને લઈ રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રભારી અંગે વિચારણા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની ઈચ્છા હવે અનુભવી નેતાના હાથમાં ગુજરાતની કમાન સોંપવાની છે. એવા નેતાના હાથમાં ગુજરાત સોંપવાની ઈચ્છા છે જે ધારાસભ્યો અને પાર્ટીના અન્ય કાર્યકરો સાથે તાલમેલ અને સંકલન રાખીને કાર્ય કરી શકે. રાહુલ ગાંધી આ મહિને ગુજરાત આવી રહ્યા છે. દરમિયાનમાં ભાજપ દ્વારા કોંગ્રેસમાં હજી વધુ તોડફોડ કરવાની અટકળો ચાલી રહી છે. આશા પટેલની જેમ જ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો રાજીનામા આપી દેવાની સ્થિતિમાં હોવાનો ઘટસ્ફોટ થતાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસના ચારથી પાંચ ધારાસભ્યો રાજીનામા આપી દેવાની વેતરણમાં છે. આ ધારાસભ્યો કાં તો ભાજપમાં સામેલ થશે અથવા અન્ય વિકલ્પ પર વિચારણા કરશે. આશા પટેલના પગલાથી કોંગ્રેસ હાઈકમાન્ડને ઝટકો લાગ્યો છે.
જ્યારે દિલ્હીથી રાહુલ ગાંધીએ આદેશ આપ્યા છે કે ગુજરાતમાં પોતાના ધારાસભ્યોને બચાવવા માટે શક્ય તમામ કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસ સૂત્રો મુજબ રાહુલ ગાંધીએ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓને ધારાસભ્ય બચાવો અભિયાન શરૂ કરવાનું ફરમાન જારી કર્યું છે. જો નેતાઓ ધારાસભ્યોને સાચવી નહી શકે તો તેમને પોતાના હોદ્દા પરથી દુર થઈ જવાનું પણ કહી દેવામાં આવ્યું છે. આ બધી ભાંજગડમાં પ્રભારી રાજીવ સાતવના નેતૃત્વ પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
રાજીવ સાતવનો ગ્રાફ જોઈએ તો તેઓ મહારાષ્ટ્રમાંથી લોકસભાના સાંસદ છે. 2014માં તેમણે મહારાષ્ટ્રની હિંગોલી લોકસભા સીટ જીતી હતી. ગુજરાતમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહ્યપં હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. વચ્ચે સિનિયર કોંગ્રેસીઓએ મીટીંગ કરતા રાજીવ સાતવે ગુજરાતમાંથી ખસી જવાની પણ જાહેરાત કરી હતી. હવે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાજીવ સાતવનું પણ માનતા નથી. કેટલાક ધારાસભ્યોનો ભાજપ તરફનો ઝૂકાવ કોંગ્રેસ માટે મોટી ચિંતા ઉપજાવી રહ્યું છે.