સોમવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ની મુલાકાત દરમિયાન વર્ગ-૪ના કર્મચારીઓએ પાડેલી હડતાલ , ગેરરીતી ના આક્ષેપ અને દેખાવને પગલે આરોગ્યમંત્રી એ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતી અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેને પગલે રાજ્યભરની જુદી જુદી મેડિકલ કોલેજો અને સિવીલ હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યભરમાં આરોગ્ય વિભાગ સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વર્ગ ૩ અને વર્ગ ૪ની જુદી જુદી પોસ્ટ માટે સરકાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મેન પાવર ભરતી કરે છે.
અલબત્ત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મજૂર કાયદાઓનો સરેઆમ ભંગ થતો હોવાની વારંવાર ઉઠેલી ફરિયાદોને ધ્યાનમાં લઈ આરોગ્યમંત્રી એ જુદી જુદી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ માં તપાસ કરવા સૂચના આપી છે.
રાજ્યમાં અમદાવાદ વડોદરા ભાવનગર જામનગર અને રાજકોટ ખાતે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને કોન્ટ્રાકટ ઉપર રાખવામાં આવ્યા છે. તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે છે કે કેમ અને મેડિકલ કાઢી આપવામાં આવશે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસના ચક્રો ગતિમાન થતાં જુદી જુદી આઉટસોર્સિંગ એજન્સીઓ અને એમની સાથે સંકળાયેલા કેટલાક સરકારી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ એમ પ્રભાકર જણાવ્યું છે કે, “આરોગ્યમંત્રીના આદેશ બાદ અમે જુદી જુદી આઉટસોર્સિંગ એજન્સીઓએ રજૂ કરેલા તમામ બિલો અને નિયમ મુજબ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ, જો આમાં કોઈપણ પ્રકારની ગેરરીતી માલુમ પડશે તો આ બાબતે આરોગ્ય વિભાગને જાણ કરી આવી એજન્સી સામે પગલા લેવામાં આવશે.”