સુરત મહાનગપાલિકાના વોર્ડ નંબર આઠ-વેડ,ડભોલી-સિંગણપોરનો ભાજપનો કોર્પોરેટર જયંતિ ભંડેરી ડોક્ટર પાસેથી પચાસ હજારની લાંચ લેતા પકડાઈ જવા પામ્યો છે. આ ઘટનાના કારણે ભાજપમાં ચકચાર મચી ગઈ છે.
એન્ટી કરપ્શન બ્યુરોને ડોક્ટરે ફરીયાદ આપી હતી કે ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી દ્વારા આપવા માટે ધાક ધમકી અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ડોક્ટરની ફરીયાદના પગલે એસીબીએ કોર્પોરેટરનું છટકું ગોઠવ્યું હતું અને આજે સાંજે કોર્પોરેટર જયંતિ ભંડેરીને પચાસ હજારની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.
વિગત મુજબ જયંતિ ભંડેરીએ કતારગામ વિસ્તારમાં આવેલી હરી દર્શન સોસાયટી નજીક દવાખાનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. દવાખાનાનું બાંધકામ કરી રહેલા ડોક્ટરની પાસેથી ભંડેરીએ રૂપિયાની માંગ કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો દવાખાનું તોડી નાંખવાની ધમકી આપી હતી. એસીબીએ ડોક્ટર અને જયંતિ ભંડેરી વચ્ચેની ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડીંગ કબ્જે કર્યું છે. એસીબીએ જયંતિ ભંડેરીની ધરપકડ કરી છે.
ભાજપ વર્તુળો મુજબ જયંતિ ભંડેરી કતારગામ વિધાનસભાની ધારાસભ્ય વિનુ મોરડીયાની સાથી પેનલનાં છે. વિનુ મોરડીયા અને જયંતિ ભંડેરી સાથે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા.
લાંચ લેતા પકડાયેલા કોર્પોરેટર જયંતિ ભંડેરીને સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળાએ તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા.