અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર ખાતે વિરાટ નગર ચાર રસ્તા પાસે આવેલા પ્લોટ નંબર 22 ખાતે આવેલી અનિલ હોઝિયરી ઇન્ડસ્ટ્રીઝ ના ત્રીજા માળે કેટલાક લોકો બોગસ કોલસેન્ટર ચલાવી રહ્યા છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્યારે રેડ પાડતા આ બોગસ કોલ સેન્ટર કામ કરતા આઠ શખ્સો મળી આવ્યા હતા. આ બોગસ કોલ સેન્ટર વિક્રમ શુકલા (૩૩)રહે ઓઢવ, અમદાવાદ, નિકુલ સિંહ ચૌહાણ( ૨૨) રહે નરોડા બંન્ને સાથે મળીને ચલાવતા હતા. તેઓ અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છે તેમજ તેઓએ અગાઉ આવા કોલ સેન્ટર માં કામ કર્યું હોવાથી છેતરપિંડી કરવાની આખી પ્રોસેસ તેઓ સારી રીતે વાકેફ હતા.
આ કોલ સેન્ટર પર નોકરી કરતા બીજા છ લોકોની પણ ધરપકડ કરી છે. જેમના નામ લોકેશ શર્મા ઉંમર ૨૬ વર્ષ રહે ઓઢવ, કુણાલ નાયડુ ઉંમર 25 વર્ષ રહે અમરાઈવડી, ગુરનામસિંગ ધળીવાડ ઉંમર ૩૧ વર્ષ રહે. સરદારનગર, શિવેસ દુબે 28 વર્ષ રહે ઓઢવ રવિ સીરકે ઉંમર 29 વર્ષ રહે નરોડા, દિવ્ય પ્રકાશ કુશવાહ, ૨૫,રહે ઓઢવ ની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ લોકો બોગસ કોલ સેન્ટર પર અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા. તેઓ પોતાની ઓળખ અમેરિકાની ઇન્ટરનલ રેવન્યુ સર્વિસના અધિકારી તરીકે આપતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને કહેતા હતા કે ‘તેઓ ટેક્સ ચોરી માં ગુનેગાર ઠર્યા છે અને તેમની સામે ગુનો દાખલ થયો છે, જો તેઓ દંડની રકમ નહીં ભરે તો તેમનો સોસીયલ સિક્યુરિટી નંબર કેન્સલ થઈ જશે તેમની પ્રોપર્ટી રદ્દ થશે તેની સામે ગુનો દાખલ થશે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે એમ કહી અને તેઓ અમેરિકન નાગરિકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા.
આ રકમ મેળવવા માટે તેઓ અમેરિકન નાગરિક પાસેથી તેમનો ૧૬ આંકડાનો એક ચોક્કસ ગુપ્ત નંબર મેળવી લેતા હતા અને તે વિગતોને આધારે ગુગલ પ્લે દ્વારા તેઓ નાણાકીય પ્રોસેસ કરતા હતાં. આ માટે તેઓ આ આઈબીમ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, અને તેના વડે નાણાકીય પ્રોસેસ કરી હજારો ડોલર તેમની પાસેથી પડાવી લેતા હતા.
પોલીસે આ બોગસ કોલ સેન્ટર ઉપર થી ૮ સીપીયુ , ૧ લેપટોપ , ૩ રાઉટર, ૨ સ્વીચ બોર્ડ, ૧૧ મોબાઈલ ફોન એમ કુલ મળીને બે લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આઠ લોકોની ધરપકડ કરી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.