દેશના આધુનિક સંચાર ઉપગ્રહ જીસેટ-31ને બુધવારે બપોરે ફ્રેન્ચના ગુયાનાના યુરોપીય રોકેટ દ્વારા અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવ્યો હતો. આ મિશનથી એટીએમ નેટવર્કને મજબૂતી મળશે અને ડીટીએચ સેવા પણ મજબૂત થશે.
દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ સ્થિત ફ્રાન્સીસી વિસ્તાર કૌરુના એરીયન કોમ્પલેક્સથી ભારતીય સમય અનુસાર ગત મોડી રાત્રે 2.31 મીનીટ પર ઉપગ્રહને છોડવામાં આવ્યો હતો. યુરોપના એરીયન સ્પેસના એરિયન-5 અંતરિક્ષયાન મારફત ઉપગ્રહને અંતરિક્ષમાં તરતો મૂકવામાં આવ્યો હતો. અવકાશીય ક્ષેત્રમાં તેનું ફ્લાઈંગ અંદાજે 42 મીનીટ રહ્યું હતું.
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર એસ.પાંડિયને કૌરુમાં કહ્યું કે એરિયન-5 રોકેટ દ્વારા GSAT-31નું સફળ પ્રેક્ષપણ કરવામાં આવ્યું. તેમણે એરિયન સ્પેસ સેન્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે GSAT-31 કેયૂ-બેન્ડ સાથે ઉચ્ચ ક્ષમતા ધરાવે છે. અંદાજે 2,536 કિ.ગ્રામ વજન ધરાવતું સેટેલાઈટ છે. અને તેની સમય મર્યાદા પંદર વર્ષની છે. GSAT-31 દેશનો 40મો સેટેલાઈટ છે. આના કારણે વીસેટ નેટવર્ક, ટેલિવિઝન, ડીજીટલ સેટેલાઈટ ન્યૂઝ સંગ્રહ, ડીટીએચ, એટીએમ વગેરેની કનેક્ટીવિટીમાં વધારો થશે.