હાથશાળ–હસ્તકળાને રાજ્ય સરકારનું મજબૂત પ્રોત્સાહન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવા ગુજરાત સરકાર સક્રિય રીતે કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના કલાકારોને વધુ રોજગારી, બજાર અને ઓળખ મળે તે માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રયાસોના પરિણામ રૂપે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ ‘ગરવી ગુર્જરી’એ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં એવી નોંધપાત્ર સફળતા મેળવી છે, જે અત્યાર સુધીના આંકડાઓને પાછળ મૂકે છે. સ્વદેશી પ્રોડક્ટ્સ માટે વધતી માંગ રાજ્યની આત્મનિર્ભર દિશાને વધુ મજબૂત બનાવી રહી છે.
7 મહિનામાં ₹17.52 કરોડનું અનોખું વેચાણ
ગરવી ગુર્જરીએ એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન રાજ્ય તેમજ રાજ્ય બહાર યોજાયેલા કુલ 34 મેળાઓ અને એમ્પોરિયમ્સ મારફતે ₹17.52 કરોડથી વધુનું વેચાણ કર્યું છે. આ આંકડો માત્ર વેપારની સફળતા નથી, પરંતુ ‘આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત’ના લક્ષ્ય તરફનું મોટું પગલું છે. આ વેચાણમાં વિવિધ સરકારી કચેરીઓને આપવામાં આવેલા ગિફ્ટ હેમ્પર, ડેકોરેશન કરાર અને અન્ય સ્વદેશી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકોના સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે વધતા વિશ્વાસને લીધે બજારમાં નવી તકો ઉભી થઈ રહી છે.
7,000થી વધુ કારીગરોને રોજગારી અને ખરીદી ઓર્ડર
રાજ્યના કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં નિગમ સ્થાનિક કારીગરોને વધુ કામ અને સતત રોજગારી પૂરી પાડવા માટે કાર્યરત છે. નિગમ દ્વારા તાલીમ અને ઉત્પાદન કેન્દ્રો મારફતે કારીગરોને ₹1303.22 લાખના ઓર્ડર આપવામાં આવ્યા છે, જે તેમની આવકને મજબૂત બનાવે છે. રાજ્યભરમાં 7,000થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને સીધી રોજગારી અને પ્રોત્સાહન મળવાથી પરંપરાગત કળાનું સંરક્ષણ પણ મજબૂત બન્યુ છે. સ્વદેશી ઉત્પાદનને મળતું આ પ્રોત્સાહન સ્થાનિક સમુદાયો માટે આર્થિક આધાર રૂપ બની રહ્યું છે.

રાષ્ટ્રીય-વૈશ્વિક બજારમાં વિસ્તરણની તૈયારી
ગુજરાતી હસ્તકળાને વધુ વ્યાપક બજાર મળે તે માટે ગરવી ગુર્જરી આગામી સમયમાં અનેક મુખ્ય શહેરોમાં પ્રદર્શનો યોજવાની તૈયારીમાં છે. તેમાં દિલ્હી, અમૃતસર, કોલકાતા, સુરત, દહેરાદૂન, લખનઉ અને સુરજકુંડ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનો રાજ્યના કલાકારોને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કુશળ કામ રજૂ કરવાની તક આપે છે અને નવા ખરીદદારો સાથે સીધું જોડાણ સ્થાપિત કરે છે. રાજ્ય સરકારના મતે આ પ્રકારની પહેલો ગુજરાતની હસ્તકળાને વૈશ્વિક બજારમાં વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
પરંપરાગત કળાનું આધુનિકીકરણ અને તાલીમ
પરંપરાગત કલા નવી પેઢી સુધી ટકી રહે તે માટે નિગમ દ્વારા અનેક તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમાં ડિઝાઇન વર્કશોપ, માર્કેટ ટ્રેન્ડ સેશન, મોડર્ન ડિઝાઇન કેમ્પ અને કુશળતા વિકાસ તાલીમનો સમાવેશ થાય છે. આજના સમયમાં બજારની માંગ અને ગ્રાહકોની પસંદગીને અનુરૂપ કારીગરોને નવી ડિઝાઇન અને આધુનિક ટેકનિક શીખવાડવામાં આવી રહી છે. આ તાલીમના કારણે કલાકારોને નવા બજારોમાં પ્રવેશવાની વધુ તકો મળી રહી છે અને તેમની કલા સમય સાથે વધારે સુધરી રહી છે.

“વોકલ ફોર લોકલ”ને રાજ્યસ્તરે સપોર્ટ
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા નિગમે પ્રચાર-પ્રસાર માટે અનેક માધ્યમોનો ઉપયોગ કર્યો છે. રેડિયો ઇન્ટરવ્યુ, જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ, મુખ્ય રેલ્વે સ્ટેશનો પર એડવર્ટાઇઝિંગ બોર્ડ્સ અને ડિજિટલ અભિયાન દ્વારા ‘વોકલ ફોર લોકલ’ની પહોચ વધુ વ્યાપક બની છે. આ અભિયાનથી લોકોમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે ગર્વ અને સેંટિમેન્ટ બંને વધ્યા છે, જે લાંબા ગાળાના વિકાસ માટે સકારાત્મક સંકેત છે.
સ્વદેશી ખરીદી ક્યાંથી કરશો?
ગ્રાહકો ગુજરાતની પરંપરાગત અને આધુનિક હસ્તકળાની ચીજવસ્તુઓ ગરવી ગુર્જરીના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટ, એકતાનગર, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, સાળંગપુર, લિબંડી, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ સ્થિત આઉટલેટ્સમાંથી ખરીદી શકે છે. ઉપરાંત, ઓનલાઈન ખરીદી માટે નિગમની સત્તાવાર વેબસાઈટ મારફતે પણ વિકલ્પ ઉપલબ્ધ છે, જેના કારણે સમગ્ર ભારતમાંથી ગ્રાહકો સ્વદેશી વસ્તુઓ સરળતાથી મંગાવી શકે છે.

