Devendra Fadnavis: દેવેન્દ્ર ફડણવીસનુ નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી હાર્યા
Devendra Fadnavis: દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની કારમી હાર પર ભાજપે પહેલીવાર મોટી પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર બીજેપી વિધાયક દળના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અજિત પવારના કારણે અમે ખરાબ રીતે હારી ગયા. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ફડણવીસના આ નિવેદનથી રાજકીય ઉત્તેજના વધી ગઈ છે.
ફડણવીસે શું કહ્યું?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એવી 12 બેઠકો હતી જે અમે માત્ર 3 થી 6 હજાર વચ્ચે મતોથી હારી ગયા. કુલ મતોના તફાવત પર નજર કરીએ તો, અમને મહાવિકાસ આઘાડી કરતાં માત્ર 2 લાખ ઓછા મત મળ્યા છે. કારણ કે અજિત પવાર તરફી મત અમારા મહાગઠબંધનને મળી શક્યા નથી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, એકનાથ શિંદે જૂથની શિવસેનાએ તેમના તરફી મત સરળતાથી અમારી તરફેણમાં ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ અમે અજીત પવાર તરફી મતો મેળવી શક્યા નથી. જો અમને અજીત પવારની NCPના મત પૂરતી સંખ્યામાં મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમા આટલી ખરાબ રીતે હાર્યા ના હોત. દેવેન્દ્ર ફડણવીસના કહેવા પ્રમાણે, અજિત પવાર સાથેના ગઠબંધનથી ભાજપના લોકો સહજ ના હતા, પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે. દરેક વ્યક્તિ જાણે છે કે, ગઠબંધન જરૂરી છે અને અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું.
ભાજપે અજિત પવાર પર નિશાન સાધ્યું
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએના નબળા દેખાવ બાદ આ પ્રથમ વખત બન્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાએ હાર માટે અજિત પવાર અને તેમની પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ પહેલા પણ નાના કક્ષાના નેતાઓ અજિત પવારને નિશાન બનાવી રહ્યા છે.