વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને હાલ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. પ્રવીણ તોગડીયાએ પોતાની પાર્ટીનું નામ હિન્દુસ્તાન નિર્માણ દળ રાખ્યું છે. તોગડીયા પોતે અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડશે.
પ્રવીણ તોગડીયાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અયોધ્યાથી ચૂંટણી લડવા પાછળનું કારણ એ છે કે અહીંયા અમારો મજબૂત જનાધાર રહ્યો છે. હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત અને ઉત્તરપ્રદેશની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આ ઉપરાંત દેશની અન્ય લોકસભા સીટો પર પણ ઉમેદવારો ઉતારવામાં આવશે.
પ્રવીણ તોગડીયાની પાર્ટીનું નામ હિન્દુસ્તાન નિર્માણ દળ છે અને આ પાર્ટી ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ કરી દેવામાં આવી છે. નવી પાર્ટી અધ્યક્ષ તરીકે તોગડીયા પોતે છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી 40 ઉમેદવારો ફાઈનલ કરી દીધા છ. અમારી પાર્ટી રામ મંદિર નિર્માણ માટે વટહુક પાસ કરાવવા અને રામ મંદિર બનાવાવાનાં મુદ્દે ચૂંટણી લડશે. વિશ્વ હિન્દુ પરિષદે આગામી ચાર મહિના સુધી રામ મંદિર અંગે આંદોલન નહીં કરવાની જાહેરાત કરી છે ત્યારે પ્રવીણ તોગડીયાની વાત એનાથી સાવ ઉલ્ટી આવી રહી છે.
તોગડીયાએ કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો એક સપ્તાહની અંદર વટહુકમ પાસ કરવામાં આવશે અને રામ મંદિર નિર્માણ શરૂ કરી દેવામાં આવશે. અમારી પાર્ટી ખેડુતોનું દેવું માફ કરવાની સાથો સાથ તેમને યોગ્ય ભાવ મળે તેના માટે પણ કામ કરશે.
તેમણે કહ્યું કે મોદી સરકારના ત્રણ નિર્ણયો નોટબંધી, જીએસટી અને નાના વેપારીઓ પર લદાયેલા ગંજાવર ટેક્સના કારણે રોજગારીમાં ઘટાડો થયો છે. મારું ધ્યાન દેશમાં રોજગાર અને હેલ્થ સેક્ટર પર વધારે રહેશે. આ ઉપરાંત અમે ભારતમાં વોલમાર્ટને પણ બેન કરીશું.