ચાર રાજ્યોના ભક્તોને આકર્ષતું આદિવાસી સંસ્કૃતિનું જીવંત તીર્થસ્થળ
ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલું દેવમોગરા ધામ સાતપુડાની હરિયાળી ગિરિમાળા વચ્ચે અદભુત શાંતિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ પ્રાચીન ધામ આદિજાતિ સમાજ માટે માત્ર મંદિર નહીં, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. યાહા મોગી પાંડોરી માતાનું આ પવિત્ર સ્થાન ભક્તોને આધ્યાત્મિક આનંદ સાથે સાથે પ્રકૃતિની અજોડ છટાનો પણ અનુભવ કરાવે છે.
અન્નપૂર્ણા સ્વરૂપની પૌરાણિક ગાથા
સ્થાનિક માન્યતા મુજબ, જ્યારે વર્ષો પહેલાં આ વિસ્તાર ભયંકર દુષ્કાળથી પીડાતો હતો ત્યારે માનવજાત અને પ્રાણીઓ તરસ અને ભૂખથી ત્રસ્ત હતા. તે સમયે ગોરિયા કોઠારે અન્ન વિતરણ શરૂ કર્યું, પરંતુ સમય જતાં તેમના ભંડારો ખાલી થવા લાગ્યા. આવા સંકટમાં યાહા પાંડોરી માતાએ કણી-કંસરીનું રૂપ ધારણ કરી અન્ન વિતરણનો કાર્યભાર સંભાળ્યો. માન્યતા છે કે તે દિવસથી માતાના અન્ન ભંડારો ક્યારેય ખાલી થતા નથી. તેથી માતાને અન્નપૂર્ણા અને કલ્યાણકારી શક્તિ તરીકે માનવામાં આવે છે.
ચાર રાજ્યોના ભક્તોનું આસ્થા કેન્દ્ર
દેવમોગરા ધામ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિજાતિ સમાજ માટે કુળદેવીનું સ્થાન ધરાવે છે. ભક્તો અહીં પોતાની તમામ માનસિક, સામાજિક અને કુટુંબની સમસ્યાઓના નિવારણની પ્રાર્થના કરવા માટે આવે છે. કહેવાય છે કે અહીં રડતો માણસ આવે તો ખુશી સાથે પાછો જાય છે. મંદિરની બાજુમાં મહાકાલી માતાની શ્યામવર્ણી મૂર્તિ પણ બિરાજમાન છે, જેના દર્શન ભક્તોના મનમાં અદભુત શાંતિ જગાવે છે.

સંસ્કૃતિનો ઝળહળતો મેળો
દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રિના પૂર્વથી શરૂ થતા પાંચ દિવસીય મહામેળો નર્મદા જિલ્લામાં સૌથી મોટો મેળો માનવામાં આવે છે. આ મેળો આદિવાસી પરંપરા, ગીત-નૃત્ય, નૈસર્ગિક વાદ્યો અને લોકઆસ્થાનો અનોખો સમન્વય રજૂ કરે છે. હજારો ભક્તોની હાજરી આ મેળાને યાદગાર બનાવી દે છે.
ગઢયાત્રાની દિવ્ય પરંપરા
મહાશિવરાત્રિના દિવસે રાજા પાંઠા-વિનાદેવના સ્થળેથી ગઢયાત્રા આરંભ થાય છે. ભક્તો પરંપરાગત વાંસળી, ઢોલ અને નૃત્ય સાથે યાહા પાંડોરી માતાને કુદરતી ઝરણામાં સ્નાન કરાવે છે. આવા દ્રશ્યો આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિને જીવંત બનાવે છે.
હવામાનના વરતારા અને કાકળ વૃક્ષનું રહસ્ય
આધ્યાત્મિક વિધિઓ સાથે ખેતીવાડી સંસ્કૃતિ પણ અહીં જોડાયેલ છે. માતાની પૂજા કરીને ભક્તો આવતી સિઝનનું હવામાન અને પાકની પૂર્વ કલ્પના કરે છે. મેળા દરમિયાન માતાના આંગણામાં આવેલા કાકળના વૃક્ષ ઉપર એક જ રાતમાં ફૂલો ખીલી ઊઠે છે, અને તે કઈ દિશામાં વધુ હોય તે આધારે ખેતીની સમૃદ્ધિનો અંદાજ કરવામાં આવે છે.
પરંપરાઓથી ભરેલું પવિત્ર ધામ
હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન થતા નવ રસના નૃત્યો, ઘેરીયા પરંપરા અને હોબ યાત્રા આદિજાતિ સમાજની જીવનશૈલીને અનોખી રીતે દર્શાવે છે. નવા પાકને વાંસની ટોપલીમાં સજી યાહા પાંડોરી માતાને સમર્પિત કર્યા વગર તેનો ઉપયોગ ન કરવાની પરંપરા આજે પણ અખંડિત છે.

દેવમોગરા ધામ કેવી રીતે પહોંચવું
દેવમોગરા ધામ રોડ માર્ગે ઉત્તમ રીતે જોડાયેલ છે. વિમાન માર્ગે આવતાં લોકો માટે નજીકનું એરપોર્ટ વડોદરા અને સુરત છે, બંને આશરે 140–150 કિલોમીટર દૂર છે. ટ્રેન દ્વારા આવતા યાત્રિકો માટે વડોદરા અને ભરૂચ સૌથી યોગ્ય સ્ટેશનો છે. ત્યાંથી રાજપીપળા અને આગળ સાગબારા સુધી બસ અથવા ટેક્સીની સુવિધા સરળતાથી મળી રહે છે. રોડ માર્ગે GSRTCની બસ સેવાઓ નિયમિત ઉપલબ્ધ છે અને મેળા દરમિયાન ખાસ બસો પણ દોડે છે.
મુલાકાત માટે શ્રેષ્ઠ સમય
દેવમોગરા ધામની મુલાકાતનો ઉત્તમ સમય ઓક્ટોબરથી માર્ચ છે. જો તમે આદિવાસી પરંપરાનો જીવંત અનુભવ કરવા માંગતા હો, તો મહાશિવરાત્રિ દરમિયાન યોજાતા ભવ્ય મેળામાં ચોક્કસ આવવું જોઈએ.
નજીકના પ્રવાસન સ્થળો
આસપાસના વિસ્તારોમાં નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ અને વિશ્વપ્રસિદ્ધ કેવડિયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની મુલાકાત પણ કરી શકાય છે.

