ઇફકો કિસાન SEZ પ્રોજેક્ટ અંગે ઉચ્ચસ્તરીય બેઠક, રાજ્ય સરકારના સહકારથી વિકાસ કાર્યોને વેગ
IFFCO ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઇફકો કિસાન SEZ ના વિકાસ કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા વિષયક સકારાત્મક ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ દિલીપભાઈ સંઘાણીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પ્રોજેક્ટની હાલની પ્રગતિ તેમજ આગામી તબક્કાઓ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રોજેક્ટને રાજ્ય સરકાર તરફથી વધુ મજબૂત સહકાર મળે તેવા વિષયો પર પણ વિચાર વિનિમય કરવામાં આવ્યો, જેથી સમગ્ર વિસ્તારમાં ઔદ્યોગિક વૃદ્ધિ વધુ ઝડપી બને.
ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ: CM ચંદ્રબાબુ નાયડુનો અભિગમ
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઇફકો કિસાન SEZ ને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રસ્થાન ધરાવતો પ્રોજેક્ટ ગણાવ્યો. તેમણે સંબંધિત વિભાગોને પ્રોજેક્ટ માટે જરૂરી તમામ મંજૂરીઓ, સહકાર અને વહીવટી પ્રક્રિયા તાત્કાલિક પૂરી પાડવા નિર્દેશ આપ્યો . દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રીના સહયોગી અભિગમ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારના મજબૂત સમર્થનથી પ્રોજેક્ટને નવી દિશા અને ગતિ મળશે. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ માત્ર ઔદ્યોગિક જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રના આર્થિક માળખાને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

બેઠકમાં મહત્વના અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠક દરમિયાન આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી ટી.જી. ભારત, ઉદ્યોગ વિભાગના સચિવ ડૉ. એન. યુવરાજા, ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર કે.જે. પટેલ, સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કપૂર, ઇફકો કિસાન SEZ ના મેનેજિંગ ડિરેક્ટર ટી. સુધાકર તેમજ નેલ્લોરના કલેક્શનર હિમાંશુ શુક્લા ઉપસ્થિત રહ્યા. તમામ અધિકારીઓએ પ્રોજેક્ટની ભવિષ્ય યોજનાઓ, આવનાર પડકારો અને ઉદ્યોગ ક્ષેત્રમાં ઉભી થતી નવી તકો અંગે સંક્ષિપ્ત રજૂઆત કરી.

વિકાસને વેગ આપવાની આશા
આ બેઠક બાદ અનુમાન છે કે ઇફકો કિસાન SEZ પ્રોજેક્ટના કાર્યો વધુ ગતિ પકડી શકશે. રાજ્ય સરકાર અને ઇફકો વચ્ચેના સંકલિત પ્રયત્નોથી નોકરીના અવસરો વધશે અને ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ નેલ્લોર તેમજ આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

