જીઓ-ફેન્સીંગ અને AI આધારિત એટેન્ડન્સ સિસ્ટમ તૈયાર
અમદાવાદની ગવર્મેન્ટ પોલીટેક્નિક કોલેજના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ એક એવી સ્માર્ટ એટેન્ડન્સ એપ વિકસાવી છે, જે કોલેજોમાં ચાલતી પરંપરાગત હાજરી સિસ્ટમને સંપૂર્ણ બદલાવી શકે તેવી છે. સામાન્ય રીતે પ્રોફેસરોને દરેક લેક્ચરમાં 5 થી 10 મિનિટનો સમય હાજરી માટે ખર્ચવો પડે છે, પરંતુ આ નવી એપ દ્વારા માત્ર એક ક્લિકમાં સમગ્ર ડિવિઝનની હાજરી પૂર્ણ થઈ શકે છે. આ એપ AI આધારિત છે, એટલે કે ફેસ રેકગ્નિશનથી લઈને વોઇસ કમાન્ડ સુધીના આધુનિક ફીચરને સપોર્ટ કરે છે અને આની મદદથી વિદ્યાર્થીઓની હાજરી પૂરી રીતે ડિજિટલ અને ઓથેન્ટિક બની જાય છે.
સરળ ક્યૂઆર કોડથી લઈને વોઇસ કમાન્ડ સુધીની સુવિધા
એપ બનાવી રહેલા વિદ્યાર્થી વિવેક મેર જણાવે છે કે અગાઉ હાજરી હાથેથી લેવાતી હોવાથી ગેરહાજર વિદ્યાર્થીઓ પણ ક્યારેક ફેક હાજરી દર્શાવી શકતા હતા, જેના કારણે સાચા રેકોર્ડ રાખવામાં મુશ્કેલી પડતી હતી. તેમની ટીમે એવી સિસ્ટમ તૈયાર કરી છે જેમાં પ્રોફેસર લેક્ચર દરમિયાન ક્યૂઆર કોડ, ઓટો-જનરેટેડ કોડ, ફેસ રેકગ્નિશન અથવા વોઇસ કમાન્ડ જેવી ચાર અલગ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી લઈ શકે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાનું નામ બોલીને પણ હાજરી નોંધાવી શકે છે, જે પ્રક્રિયાને વધુ ચોક્કસ અને ઝડપી બનાવે છે.

જીઓ-ફેન્સીંગ ફીચર
પ્રોફેસર ઝંખના મહેતાના જણાવ્યા મુજબ, શિક્ષકોના સમયની બચત ઉપરાંત હાજરીની વાસ્તવિકતા જળવાઈ રહે તે પણ આ સિસ્ટમનો મુખ્ય હેતુ છે. એપમાં જીઓ-ફેન્સીંગ સુવિધા ઉમેરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થી કોલેજની બહાર હોવા છતાં હાજરી નથી કરી શકતા. જ્યારે પ્રોફેસર લેક્ચર શરૂ કરે છે તે માહિતી વિદ્યાર્થીઓના ફોનમાં પૉપઅપ થાય છે અને તે સમયે મળેલા કોડ અથવા ક્યૂઆર દ્વારા જ હાજરી ભરવી પડી શકે છે. આ તમામ ડેટા AI મેપિંગથી ચકાસાય છે, જેથી ખોટી હાજરીની શક્યતા જ રહેતી નથી.

કોલેજ અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી
આ એપ માત્ર કોલેજો પૂરતી મર્યાદિત નથી, પરંતુ મોટા ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ સેન્ટર્સ અથવા કોઈપણ ઇવેન્ટમાં હાજરી નોંધવાની પ્રક્રિયા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. એપ ઝડપથી પબ્લિક પ્લેટફોર્મ પર મુકવાની તૈયારીમાં છે જેથી અનેક સંસ્થાઓ અને સંગઠનો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓના ફેસ અને ઓડિયો ડેટાના આધારે ચાલતી આ એડવાન્સ સિસ્ટમ, ભવિષ્યના એજ્યુકેશન સેક્ટરમાં હાજરી લેવા માટેની પદ્ધતિને સંપૂર્ણ રૂપે ડિજિટલ બનાવી દેવાનો દાવો કરે છે.

