પાલિકાએ 41 સંસ્થાઓમાંથી સેમ્પલ લઈ કડક કાર્યવાહી શરૂ કરી
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં વધતી ખોરાક સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને વિશાળ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ડેરી ઉત્પાદનો બનાવતી અને વેચતી કુલ 41 સંસ્થાઓ સહિત મરી-મસાલા વેપારીઓ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન Hygiene થી લઈને સ્ટોરેજની સ્થિતિ સુધીના તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પાલિકાની ટીમે જણાવ્યું છે કે શહેરમાં વેચાતી કોઈ પણ અખાદ્ય કે હાનિકારક વસ્તુ નાગરિકોના આરોગ્ય સુધી ન પહોંચે તે માટે આવા અભિયાન નિયમિત રીતે ચાલશે.
પનીર, ચીઝ એનાલોગ અને ઘી સહિતનો મોટો જથ્થો જપ્ત
આ સમગ્ર ઓપરેશન દરમિયાન 797 કિલો જેટલુ પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાંથી 54 કિલો પદાર્થો સ્થળ પર જ અખાદ્ય હોવાને કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ તમામ સેમ્પલને વધુ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલ્યા છે. પનીરના 16, ચીઝ એનાલોગના 3, ઘીના 10 અને મરી-મસાલાના 28 સેમ્પલ લેવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ સંબંધિત સંસ્થાઓ સામે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

શહેરની અન્ય દુકાનોની પણ વ્યાપક તપાસ
પાલિકાની ટીમે માત્ર ડેરી અને મસાલા વેપારીઓ જ નહીં પરંતુ શહેરની અન્ય 375 ખાદ્ય સંસ્થાઓની પણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન Hygiene સંબંધિત નિયમોનું પાલન ન કરતા 86 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. તપાસ દરમિયાન 120 કિલો જેટલા અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો અને સ્વચ્છતા ધોરણોનો ભંગ કરનારાઓ પાસેથી 1.31 લાખ રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આવા અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો નાગરિકો સુધી પહોંચાડવાનો છે.

જન આરોગ્યને પ્રાથમિકતા આપતી પાલિકાની ચેતવણી
સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કડક કાનૂની પગલાં અનિવાર્ય રહેશે. સંબંધિત સેમ્પલ જો બિનઆરોગ્યપ્રદ હોવાનું સાબિત થશે તો દંડ, લાયસન્સ રદ થવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાએ વેપારીઓને Hygiene, સ્ટોરેજ અને લાયસન્સિંગના નિયમોનું પાલન કરવાની કડક ચેતવણી આપી છે અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવાનું આગ્રહ કર્યો છે.

